ગૃહ વિભાગની સૂચનાથી લાજપોર જેલમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન આખી રાત ચાલ્યું હતું. આ દરમિયાન લાજપોર જેલના કેદીઓએ ભારે ધમાલ મચાવી હતી. જેલની અંદર કેદીઓ દ્વારા બેરેકમાં આગ પણ લગાવવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન કેદીઓ દ્વારા જેલની અંદર આગ લગાવી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ગત મોડી રાત્રે રાજ્યની તમામ જેલોની અંદર એક સાથે પોલીસની મોટી ટીમ ઉતરીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે સુરતની સૌથી મોટી લાજપોર જેલ ખાતે સુરત પોલીસના 250થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ સાથેનો કાફલો જેલની અંદર પહોંચ્યો હતો. જેલમાં ચાલતી ગેરકાયદેસર ગતિવિધિઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેલની અંદર પોલીસનું સર્ચ ઓપરેશન જોતા કેદીઓએ ભારે ધમાલ મચાવી હતી. પોલીસની કામગીરીને રોકવા અને અડચણરૂપ થવા માટે કેદીઓ દ્વારા જેલની અંદર આગ પણ લગાવવામાં આવી હતી. સાથે બેરેકના કેદીઓ દ્વારા સૂત્રોચાર અને વિરોધ પણ કર્યો હતો.
લાજપોર જેલમાં પોલીસના સર્ચ ઓપરેશનના દરોડા દરમિયાન લાજપોર જેલની અંદર કેદીઓ દ્વારા લગાવાયેલી આગનો વીડિયો સામે આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ તેમને અડચણરૂપ થવા માટે ખૂબ જ પ્રયત્ન લાજપોર જિલ્લાના કેદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જેલના બીજા માળે કેદીઓ દ્વારા આગ લગાવીને તેમને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો.
પોલીસનું આ સમગ્ર સર્ચ ઓપરેશન વીડિયો કોન્ફરન્સથી લાઈવ ગૃહ વિભાગમાં નિહાળતું હતું. મોડી રાત્રી સુધી ગૃહમંત્રી સહિત ગૃહ વિભાગના અનેક મોટા અધિકારીઓ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલરૂમમાંથી જેલમાં ચાલતા સર્ચ ઓપરેશનને નિહાળી રહ્યાં હતાં. આ દરમિયાન સુરતના લાજપોર જેલમાંથી કેદીઓ દ્વારા મચાવામાં આવેલી ધમાલ અને લગાવાયેલી આગ વિષે ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારની ઘટનાને લઇ ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજ સુધીમાં કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવશે તેવું પણ હાલ જાણવા મળ્યું છે.
લાજપોર જેલમાં પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરતાં જેલમાં કેદીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. થોડા સમય માટે તો જાણે સર્ચ આપરેશનનો કેદીઓ જ વિરોધ કરતા હોય એ પ્રકારની સ્થિતિ જેલમાં ઊભી થઈ હતી. બેરેકમાં કેદીઓના ઓશિકામાંથી નશાકારક પદાર્થો મળી આવ્યા હતા. પોલીસ દ્વારા ઓશીકા ફાડીને તપાસ કરતા પડિકી મળી આવ્યા હતા. કેદીઓએ વધુ પડતો વિરોધ કરતા આખરે લાજપોર પર જેલ ખાતે બખ્તર પહેરીને વધારાની પોલીસ પહોંચી ગઈ હતી.
કેદીઓએ સર્ચ ઓપરેશન શરૂ થતા ભારે ધમાલ મચાવી દીધી હતી. એટલું જ નહીં, પરંતુ બેરેકમાં આગ લગાડી દીધી હતી. જેને લઈને વાતાવરણ વધુ તંગ થઈ ગયું હતું. લાજપોર જેલમાં આ પ્રથમ એવો કિસ્સો છે કે, જેમાં સર્ચ ઓપરેશન દરમિયાન કેદીઓએ આ પ્રકારનું કૃત્ય કર્યું હોય. બેરેકમાં આગ લગાડી દેવાની સાથે સાથે તોડફોડ પણ કરી હતી.