‘મારા પપ્પા, મારા ફોઈ અને બધા પરિવારના લોકો મારો બલિ ચડાવવાનું કહેતા હતા. મને હવનમાં હાથ નખાવ્યો, પછી સળગતા કોલસા ઉપર ખુલ્લા પગે ચલાવી અને બે દિવસ ભૂખી રાખી…’ આ શબ્દો છે કેશોદની એ દીકરીના, જેમના પર તેનાં સગા પિતા અને પરિવારજનોએ જ અંધશ્રદ્ધાના નામે અત્યાચાર ગુજાર્યો અને બીજી દીકરીને ઢોરમાર માર્યો.. જો સમયસર માતાએ ન બચાવી હોત તો કદાચ આજે આ દીકરીઓ જીવતી પણ ન હોત.. દીકરીઓનો વાંક માત્ર એટલો હતો કે તે તેમના પિતા સાથે નહીં ,પણ માતા સાથે રહેતી હતી. રૂંવાડાં ઊભાં કરી દેતું દીકરીઓનું આ દર્દ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી પુત્રીઓ અને તેની માતા સાથે વાત કરી હતી. તો આવો… આ અહેવાલમાં વિગતવાર જોઈએ અંધશ્રદ્ધા અને કઠોર કાળજાના પિતાનાં કરતૂત..
વાત છે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ગામની.. જ્યાંના ગજેરા પરિવારની દીકરીમાં ભૂતપ્રેત હોવાનું કહી ફૂલ જેવી માસૂમ દીકરી પર સગા પિતા અને ફોઈ સહિત પરિવારના સાત લોકોએ અત્યાચાર ગુજાર્યો અને બીજી દીકરીને ઢોરમાર માર્યો.. આ ઘટનામાં દીકરીઓ સગીર હોવાથી દિવ્ય ભાસ્કર તેમની ઓળખ કરતું નથી.
વિતગે વાત કરીએ તો કેશોદ તાલુકાના એક ગામની ગજેરા પરિવારની પુત્રવધૂ પોતાની ત્રણ દીકરી સાથે પતિથી છેલ્લાં સાત વર્ષથી અલગ રહે છે. જોકે ગજેરા પરિવારે ખોડિયાર માતાજીના મંદિરે હવનનું આયોજન કર્યું હતું, જેમાં સમાધાન કરવાનું કહીને માતાને આમંત્રણ આપ્યું હતું, જેથી માતાએ પહેલા દિવસે બે દીકરીને મોકલી હતી અને સવારે તે અન્ય એક દીકરીને લઇને આ હવનમાં ગઇ હતી. હવનમાં ગયા બાદ પતિ સહિત પરિવારજનોનું વર્તન બદલાઈ ગયું હતું.
દીકરીઓની માતાએ ઘટના વર્ણવતાં દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હું સાત વર્ષથી મારા પતિથી અલગ રહું છું, પણ હવનનું આયોજન હતું અને સમાધાનની વાત હતી તો મેં પહેલા દિવસે બે દીકરીને મોકલી હતી અને હું બીજા દિવસે ગઇ તો મને જાણવા મળ્યું કે પહેલી રાત્રે ભૂવાઓએ અને મારા પતિ સહિત સાસરિયાંએ ડાલકામાં મારી એક દીકરીઓને ધુણાવી હતી. મને એમ કહેવામાં આવ્યું કે, તારી દીકરીને માતાજી આવે છે. એ પ્રમાણ આપશે. મને પણ એમ થયું કે કંઇ હોય તો સારૂ થઇ જાય પણ આ લોકોનો અત્યાચાર વધતો ગયો. મારી દીકરીને આગ પર ચલાવી, હવનમાં હાથ નંખાવ્યા, બે-બે દિવસ અન્નનો દાણો ન આપ્યો અને બેહદ હેરાન કરવામાં આવી.. મેં આનો વિરોધ કર્યો તો મારી દીકરીની બલી ચડાવવાનું કહી મને અને મારી દીકરીઓને ઢોરમાર માર્યો. જ્યાંથી માંડ માંડ હું હોસ્પિટલ પહોંચી.. મને ન્યાય અપાવો. આટલું બોલતાં જ માતાનું હૈયું ભરાઇ આવ્યું તે વધુ ન બોલી શકી..
આ ઘટનામાં ભોગ બનનાર 13 વર્ષની દીકરીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રડતા અવાજે જણાવ્યું કે, તેના કુટુંબના સભ્યો દ્વારા તેનામાં મેલી વિધા હોવાનું જણાવી બે દિવસ સુધી ભૂખી રાખી, હવનમાં ધુણાવી અને બાદમાં તેની બલી ચડાવવા માટે સળગતી જ્વાળામા હાથ નંખાવી અને સળગતા કોલસા ઉપર ચલાવવમાં આવી.. બીજી દીકરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અમે પહેલાં દિવસે આવ્યા તો મારા પપ્પાએ મારી બહેનમાં માતાજી છે અને ખરાબ વળગાડ છે એમ કહીને ધુણાવી, આગમાં ચલાવી અને હવનમાં હાથ નંખાવ્યા અને બલી દેવાનું કહેતા હતા. મારી મમ્મીએ બલી દેવાની ના પાડી તો આખા પરિવારે અમને ઢોરમાર મારીને જીવલેણ હુમલો કર્યો. આ ઘટના અંગે માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ અને નણંદ સહિત સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
જોકે, અંધશ્રદ્ધામાં દીકરીની બલીની આ પહેલી ઘટના નથી, આજે તમને જણાવીએ આવી જ પાંચ ઘટના વિષે જેમાં એક સગા બાપે જ વળગાડના નામે દીકરીનો જીવ લીધો ,તો માત્ર સામાન્ય તાવમાં પણ દીકરીને અગરબત્તીના ડામ દીધા.. તો ક્યાંક હોસ્પિટલના બદલે ભુવાઓ પાસે લઇ જઇને દીકરીઓનો જીવ લીધો.