ઈન્દોરમાં રામનવમીના દિવસે જ મોટી દુર્ઘટના ઘટી છે. શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ખાતે વાવનાં પગથિયાંની ઉપરની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા. વાવમાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ બચાવ કામગીરી શરૂ કરી છે. વાવની અંદર કેટલું પાણી છે એ હજુ સ્પષ્ટ નથી. વાવની અંદર કેટલા લોકો ફસાયા છે એ પણ જાણી શકાયું નથી.
મળતી માહિતી મુજબ, સ્નેહનગર પાસે પટેલનગરમાં મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. અહીં ભક્તો પગથિયાંની છત પર બેઠા હતા. દરમિયાન છત અંદર પડી ગઈ હતી. કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ સહિત તમામ MIC સભ્યો મિટિંગ છોડીને સ્થળ પર પહોંચી રહ્યા છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટનાની માહિતી મેળવી છે. તેમણે ઈન્દોરના કલેક્ટર અને કમિશનર સાથે ફોન પર ચર્ચા કરી હતી. કેટલાક લોકોને વાવમાંથી બચાવી લેવામાં આવ્યા છે.