Satya Tv News

કોઈપણ વાહનોની તેજ રફતારના કારણે અન્ય નિર્દોષ વાહન ચાલકોના ભોગ લેવાતા હોય છે. ત્યારે આજે બાયડના ગાબટ રોડ પર આવી જ ઘટનામાં ચારનાં મોત નીપજ્યાં છે. અરવલ્લી જિલ્લાના ગમખ્વાર અકસ્માતમાં ગેસના બાટલા ભરેલી ટ્રકે બાઈકને ટક્કર મારતાં બાઈક પર બેઠેલા દંપતી અને બે બાળકોનાં મોત નીપજ્યાં હતાં. બાયડના ગાબટ રોડ પર સર્જાયેલા અકસ્માતે પરિવારનો માળો વિખેર્યો હતો. આ ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં ઘટના સ્થળે ઊમટ્યા હતાં. હાલ બાયડ પોલીસે સ્થળે પહોંચી અકસ્માત અંગેની કાર્યવાહી હાથ ધરી છે.


આજે સવારે 8 વાગ્યાના અરસામાં એક શ્રમિક પરિવાર પતિ-પત્ની અને બે બાળકો સાથે પસાર થઈ રહ્યો હતો. ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ગેસના બાટલા ભરેલી ટ્રક બાઇક પર ફરી વળી હતી. ટ્રકના તોતિંગ વ્હીલ પરિવાર ઉપર ફરી વળતાં બાયડ રોડ પર મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. બાઇક પર સવાર માતા-પિતા અને બે બાળકોના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. આ અકસ્માતને પગલે લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં. સમગ્ર બાબતે બાયડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તમામ મૃતકો જવાનપુરા ગામના વતની હોવાની માહિતી હાલ સામે આવી છે.

થોડા દિવસ અગાઉ પણ મોડાસામાં ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બોર્ડની પરીક્ષામાં પ્રથમ પેપર પૂરું કરી અને બાઇક પર નીકળેલા ત્રણ વિદ્યાર્થીઓ પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. તે સમયે ધનસુરા રોડ પર આવેલા સિમરન પાર્ક સોસાયટી આગળ સામેથી આવતા એક જીપડાલા સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણેય બાઇક સવારો બાઇક સાથે જમીન પર પટકાયા હતા. ત્રણેય વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતાં આસપાસના લોકોએ 108ને જાણ કરતા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

error: