ગુજરાતના આ 30 ડેમોની આવરદા 100 વર્ષ કરાતા વધુ થઈ છે. છતાં આ ડેમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
- 100 વર્ષ જૂના ડેમોની મજબૂતાઈને લઈને ઉઠ્યા સવાલ
- સંસદીય સમિતિએ ડેમોનો ઉપયોગ બંધ કરવા ભલામણ કરી
- ગુજરાતના 30 ડેમોની આવરદા 100 વર્ષ કરતા વધારે
સંસદીય સમિતિએ દેશના જૂના ડેમોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંસદીય સમિતિએ કહ્યું છે કે, ભારતમાં 234 મોટા ડેમ છે જે 100 વર્ષથી વધુ જૂના છે. તેમાંથી કેટલાક ડેમ એવા છે કે જેના નિર્માણને 300 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી આમાંથી એક પણ ડેમનો ઉપયોગ બંધ કરાયો નથી. આ ડેમો જ્યારે બંધાયા ત્યારે જે ક્ષમતામાં પાણી સંગ્રહ કરવામાં આવતો હતો, એટલી જ ક્ષમતામાં હજુય પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં આ જોખમી પુરવાર થઈ શકે છે.
સંસદીય સમિતિએ 20 માર્ચે સંસદમાં એક રિપોર્ટ સોંપ્યો છે. જેમાં જળશક્તિ મંત્રાલયને ભલામણ કરવામાં આવી છે કે ડેમના જીવન અને કામગીરીનું મૂલ્યાંકન કરીને એક સક્ષમ મિકેનિઝમ વિકસાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તથા રાજ્યોને તે ડેમોને બંધ કરવા માટે સમજાવવામાં આવે, જેઓએ આવરદા પુરી કરી છે. સંસદીય સમિતીની ભલામણને પગલે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયે રાજ્ય સરકારોને જૂના ડેમોની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાતમાં નાના-મોટા થઈને કુલ 620 ડેમો છે, જેમાં 217 ડેમો 50 વર્ષ જૂના અને 30 ડેમો 100 વર્ષ કરતા વધારે જૂના છે. આ ડેમોને 100 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં આ ડેમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ડેમોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. આ ડેમોનો ઉપયોગ આગામી દિવસોમાં જોખમી પુરવાર થઈ શકે છે.
ડેમોને બંધ કરવાની એક ખાસ પ્રક્રિયા હોય છે. ઘણાં દેશોમાં ડેમોની સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. તો ઘણાં દેશો નિયમિત રીતે જૂના ડેમના ફિટનેસ ટેસ્ટ હાથ ધરે છે અને તેની ક્ષમતાના આધારે ચાલુ રાખવાનો કે બંધ કરવાનો નિર્ણય લેવાય છે. સામાન્ય રીતે ડેમો 100 વર્ષ માટે ડિઝાઈન કરવામાં આવે છે. એ પછી બહુ મજબૂત હોય એવા ડેમો 150 કે 200 વર્ષેય કાર્યરત રહે છે, પરંતુ આમ જુઓ તો 100 વર્ષ પછી ડેમ બંધ કરી શકાય છે. આજે દેશમાં જર્જરીત અને જૂના ડેમોનો મુદ્દો મહત્વનો બન્યો છે.
સૌથી વધારે મધ્યપ્રદેશમાં જૂના ડેમ છે, મધ્યપ્રદેશમાં 63 ડેમ જૂના છે તો મહારાષ્ટ્રમાં 44, ગુજરાતમાં 30, રાજસ્થાનમાં 25, તેલંગણામાં 21, ઉત્તર પ્રદેશમાં 17, કર્ણાટકમાં 15, છત્તીસગઢમાં 07, આંધ્રપ્રદેશમાં 06, ઓડિશામાં 03, બિહારમાં 1, કેરળમાં 01 અને તમિલનાડુમાં 01 ડેમ જૂનો છે.
ગુજરાતમાં 30 ડેમો એવા છે જે 100 વર્ષ કરતા પણ જૂના છે. જેમાં ભાડક, પનેલિયા, રેવાણિયા, આજવા, વેરી, ખંભાળા, વિજાર્ખી, આલણસાગર, અધિયા, મોલડી, આનંદપર, કુવાડવા, સાવલી, ધનોરા, મોટા બંધારિયા મુવાળિયા, ડોસવાડા, લિમડા, વૈયોલી, જીંજરી, ફકીરવાદી, ધમેલી, રામધની, પિયાવી, વડવાતલ, હંસથળ, રાજાવદર, મોટા અંકાડિયા, પૈનલીનો સમાવેશ થાય છે.
આપને જણાવી દઈએ કે, દેશમાં ડેમોની સુરક્ષા હંમેશાથી એક મુદ્દો રહ્યો છે, જેમાં ગુજરાતના મોરબીનો મચ્છુ ડેમ પણ સામે છે. 11 ઓગસ્ટ 1979માં મચ્છુ હોનારત સર્જાઈ હતી. જેમાં લગભગ 2,000 લોકો મૃત્યુ પામ્યા હતા અને 12,000થી વધુ ઘરો નાશ પામ્યા હતા.