Satya Tv News

  • અંગ્રેજી વિષયની પરીક્ષા હતી, સંચાલકોનું પણ વાલી સાથે ઉદ્ધત વર્તન

આહવામાં આવેલ એક અંગ્રેજી માધ્યમમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતા માસૂમ બાળકને શિક્ષિકા દ્વારા ઢોર માર મરાતા શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં આવેલી દીપદર્શન ઈંગ્લીશ મિડિયમ માધ્યમની શાળામાં શિક્ષિકા દ્વારા માસૂમ બાળકને ઢોર માર મારવાની ઘટના પ્રકાશમાં આવતા જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ શાળામાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતો સમર્થકુમાર અરૂણ સોનવણે (ઉ.વ. 5, રહે. આહવા)ને શાળાનાં શિક્ષિકા દ્વારા અંગ્રેજી વિષયની પરીક્ષામાં ધીમુ લખવા બાબતની નજીવી ભૂલની આકરી સજા આપી છે.

આ શાળાની શિક્ષિકાએ શિક્ષણની ગરીમાને ભૂલી જઈ માસૂમ બાળકને ઢોર માર મારતા બાળકનાં શરીરે લાલ લીસોટા પડી ગયા હતા. જોકે આ બનાવની જાણ બાળકે ઘરે આવી માતાને કરતા માતા-પિતા શાળામાં દોડી ગયા હતા પરંતુ શાળા સંચાલકો દ્વારા પણ બાળકને નાપાસ કરવાની ધમકી આપી કેસ નહીં કરવા બાબતે માતા પિતા પર દબાણ કરતા નિ:સહાય બન્યા હતા.

જુનિયર કેજીનાં વિદ્યાર્થીને માર મરાયા હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વહેતો થતા ડાંગ શિક્ષણ જગતમાં કલંકિત ઘટના લેખાવાની સાથે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. માસૂમ વિદ્યાર્થીને માર મરાયાની ઘટના પ્રકાશમાં આવતા ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી વી.ડી.દેશમુખ અને પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે તુરંત જ શાળામાં દોડી ગયા હતા. આ ઘટના માટે જવાબદાર શાળાનાં સંચાલકો અને માર મારનાર શિક્ષિકા સામે કડક પગલા ભરાય તેવી માંગ ઉઠી છે.

માસૂમ બાળકને માર મરાયાની ઘટના ઘણી દુઃખદ બાબત છે. આ સમગ્ર બાબતે અમોએ વાલીને મળીને તુરંત જ રિપોર્ટનાં આદેશ કરી તપાસ સોંપી દેવામાં આવી છે. આ ઘટનામાં જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડાંગ જિલ્લામાં આવી ઘટનાને ચલાવી લેવામાં આવશે નહીં.યોગ્ય તપાસ બાદ કાર્યવાહી ચોક્કસપણે કરાશે. – નરેન્દ્રભાઇ ઠાકરે, પ્રાથમિક શિક્ષણાધિકારી

error: