શહેરમાં ગુનાખોરી સતત વધી રહી છે, ત્યારે બાપુનગર અનિલ મિલ વિસ્તારમાં સગા ભાઈ ઉપર ભાઈએ જ હુમલો કરતાં તેનું કરુણ મોત થયું હતું. ભાઈએ જ ધોળા દહાડે ખુલ્લેઆમ જાહેરમાં ભાઈની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલીમાં બે ભાઈઓ વચ્ચે મોટી બબાલ થઈ જતાં જીવલેણ હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત ભાઈને હોસ્પિટલમાં દાખલ કરાયો, જ્યાં તેનું મોત થયું હતું. રોડ ઉપર ખુલ્લેઆમ હુમલાની આ ઘટનાથી આજુબાજુના રહીશો પણ ગભરાઈ ગયા હતા. લોકોમાં પોલીસની કોઈ બીક જ ના હોય એમ લોકો જાહેરમાં મારામારી કરી રહ્યા હતા. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
બાપુનગરમાં અનિલ સ્ટાર્ચની બાજુમાં રાધારમણ ફ્લેટમાં રહેતા કનુ ચંદુ પટણી બપોરના એક વાગ્યા આસપાસ સોસાયટીના ગેટ પાસે હતા. એ દરમિયાન તેમના ભાઈએ આવીને ગાળાગાળી કરી હતી. પરેશ ચંદુ પટણી તથા તેમનો દીકરો મેહુલ ગેટ પાસે 4 વાગ્યાની આસપાસ ઊભા હતા. એ દરમિયાન તેના ભાઈ અને સાળા આવ્યા હતા અને બંને પક્ષે બોલાચાલી, ગાળાગાળી થઈ હતી. સોસાયટીના ગેટ પર જાહેરમાં જ મારામારી થઈ હતી. આ ઘટનાથી આજુબાજુના લોકો ડરી ગયા હતા.
આ દરમિયાન દિનેશ ચંદુ પટણી, સુરેશ ચમનભાઈ પટણી, સુરેશ તેમજ જયેશ પટણી સહિતના લોકો કનુ તથા તેમના ભાઈ સાથે ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. પછી લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કનુ પટણી, પરેશ પટણી તથા મેહુલ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં પરેશ ને વધુ ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્યાં તેમનું મોત થયું હતું. પોલીસ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.