
સુરતના અઠવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 55 વર્ષના હવસખોર 7થી 8 વર્ષની બાળકીને ખંઢેર જેવ ઘરમાં લઈ ગયો હતો. જ્યાં બાળકીને બળજબરીથી મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવી અડપલા કર્યા હતા. બાળકી વીડિયો જોવાની ના કહે તો માર મારવાની ધમકી આપતો હતો. બીજી તરફ બાળકી તેના ચુંગાલમાંથી નીકળીને ઘરે પહોંચી હતી અને સમગ્ર બનાવની જાણ પરિવારજનોને કરી હતી. ત્યારબાદ ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને નરાધમને પકડીને મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો હતો
સુરતમાં ભૂતકાળમાં બાળકીઓ સાથે છેડતી તેમજ દુષ્કર્મના બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે આવો જ એક વધુ બનાવ અઠવા વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં એક બાળકી સાથે અઘટિત ઘટના બનતા રહી ગઈ હતી. સુરતના અઠવા વિસ્તારમાં આવેલા રૂદરપુરા ખાડી પાસે એક 55 વર્ષીય નરાધમે 7થી 8 વર્ષીય બાળકીને પોતાની સાથે ત્યાં આવેલા એક ખંઢેર મકાનમાં લઈ ગયો હતો. અહીં બાળકીને બળજબરીપૂર્વક પોતાના મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવી રહ્યો હતો.

એટલું જ નહીં બાળકી તો વીડિયો જોવાની ના કહેતી તો માર મારવાની ધમકી આપતો હતો. બીજી તરફ આ નરાધમનો ખરાબ ઇરાદો સમજી ગયેલી બાળકી ગમે તેમ કરીને તેના ચુંગાલમાંથી નીકળીને ઘરે ભાગી આવી હતી. ઘરે આવી સમગ્ર બનાવની જાણ પરિવારજનોને કરી હતી. બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. સ્થાનિકોએ ભેગા મળીને ત્યાં આવેલા ખંઢેર મકાનમાંથી નરાધમને ઝડપી પાડ્યો હતો. બાદમાં મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના ત્યાં નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે, બાળકી ખંઢેર મકાનમાંથી ભાગતી ભાગતી જઈ રહી છે. બીજી તરફ ત્યાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને નરાધમને ખંઢેર મકાનમાંથી ઝડપી પાડે છે, બાદમાં તેને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને ત્યાં હોબાળો મચ્યો હતો. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને નરાધમને ઝડપીને મેથીપાક આપ્યો હતો, બીજી તરફ આ નરાધમની પત્ની સહિતના પરિવારજનો પણ ત્યાં આવી ગયા હતા. તેની પત્ની પણ તેની આ કરતૂત જાણીને ચોંકી ઉઠી હતી અને રોષે ભરાઈને નરાધમ પતિને ચપ્પલથી માર માર્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ નરાધમનું નામ જયેન્દ્ર છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકી રડીને બહાર નીકળી અને તેને પૂછતાં તેણે આ સમગ્ર હકિકત જણાવી હતી. બાદમાં અમે ખંઢેર મકાનમાં તપાસ કરી તો તે પાટિયા પાછળ છૂપાયો હતો. તેને પૂછપરછ કરતા તેણે આવું કૃત્ય અગાઉ પણ કર્યું હોવાનું કબૂલ્યું હતું. તેની પત્ની પણ ત્યાં આવી ગઈ હતી અને તેની પત્નીએ પણ ચપ્પલથી માર માર્યો હતો. બાદમાં આ નરાધમને પકડીને પોલીસના હવાલે કરી દીધો હતો.

ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.