Satya Tv News

પ્રેમ સંબંધ, ઘરેલુ ઝઘડા, કામનું ભારણ જેવા અનેક મામલે આજે લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દેતા હોય છે. લોકો આત્મહત્યા કરીને જીવન તો ટૂંકાવી દે છે, પરંતુ તેમની પાછળ તેમના પરિવારની હાલત બદતર થઇ જાય છે. પરિવાર રોજ દરવાજાની સામે નજર નાખે છે કે પરિવારને હસતો રાખતો ચહેરો હમણા આવી જશે. આત્મહત્યા એ કોઇ સમસ્યાનું સમાધાન નહીં પરંતુ કાયરતાની નિશાની છે. આત્મહત્યાનો વિચાર આવે તો સરકારે એક મિનિટ વિકલ્પ છે હેઠળ હેલ્પલાઇન પણ શરૂ કરી છે.

આત્મહત્યા કરવા માટે જઉં છું, તેવો મેસેજ પત્નીને કરનાર બેંકના મેનેજરને પોલીસ એક કલાકની મેહનત બાદ હેમખેમ બચાવી લીધો હતો અને આત્મહત્યા નહીં કરવા માટેનું સમજાવ્યું હતું. પોલીસે સમજાવતા મેનેજરે આત્મહત્યા કરવાનો વિચાર મનમાંથી કાઢી નાખ્યો હતો અને ખુશ થઇને પોતાની પત્ની સાથે ઘરે ગયો હતો. નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.ભાટીયા પોતાની ફરજ પર હાજર હતા, ત્યારે નીતા (નામ બદલ્યુ છે) નામની મહિલા આવી હતી અને પીઆઇને તેના પતિ રુપેશે (નામ બદલ્યુ છે) કરેલો મેસેજ વંચાવ્યો હતો. રુપેશનો મેસેજ વાંચીને પીઆઇ ભાટીયા એલર્ટ મોડ પર આવી ગયા હતા. રુપેશે આત્મહત્યા કરવા માટે જઇ રહ્યો છે, તેવો મેસેજ પત્નીને કર્યો હતો.

ડીસીપીએ રૂપેશનું મોબાઇલ લોકેશન કઢાવીને તરત જ પીઆઇને મોકલ્યા હતા. આ મામલે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે.ભાટીયાએ જણાવ્યું છે કે, લોકેશન આવતાની સાથે જ રૂપેશને શોધવા માટે ટીમો તૈયાર કરી લીધી હતી. રુપેશે મેસેજ કરીને મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો અને તે ફોન ચાલુ કરે તેની રાહ જોવાઇ રહી હતી. રુપેશે ફોન ચાલુ કર્યો ત્યારે લોકેશન મોડાસાનું આવ્યું હતું. જેથી પોલીસની એક ટીમ મોડાસા જવા માટે રવાના થઇ ગઇ હતી. આ દરમિયાનમાં રુપેશ આપઘાત કરી ના લે તે માટે પીઆઇ ભાટીયાએ તરત જ મોડાસા પોલીસને પણ લોકેશન મોકલીને જાણ કરી દીધી હતી.

મોડાસા પોલીસે લોકેશનના આધારે રુપેશની અટકાયત કરીને સ્થળ પર જ રોકી રાખ્યો હતો. માત્ર એક કલાકમાં નરોડા પોલીસ મોડાસામાં રુપેશ પાસે પહોંચી ગઇ હતી. રુપેશને લઇને પોલીસ નરોડા પોલીસ સ્ટેશનમાં લાવી હતી. જ્યાં તે પત્ની નીતાને જોઇને ભાંગી પડ્યો હતો. પોલીસે રુપેશને આત્મહત્યા નહીં કરવા માટે સમજાવ્યું હતું. પોલીસે સમજાવ્યા બાદ રુપેશે આત્મહત્યા નહીં કરવાનું નક્કી કરી લીધું હતું અને ખુશી તેમજ હસતા ચહેરે પરત પોતાના ઘરે ફર્યો હતો. રુપેશ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને કામના ભારણના કારણે તેણે આપઘાત કરવા માટે જતો હતો. નરોડા પોલીસે નીતાની વેદના સમજી હતી અને તરત જ એલર્ટ મોડ પર આવી ગઇ હતી. જેના કારણે રુપેશને આપધાત કરતા રોકી લીધો હતો.

error: