
સુરતમાં રિક્ષામાં ચોરીના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડસેરામાં રિક્ષામાં મોબાઈલની ચોરીના કેસના 3 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રિક્ષા ડ્રાઈવર જ બે ઈસમો સાથે મળી મુસાફરના મોબાઈલની ચોરી કરાવતો હોવાનો ખુલાસો થયો છે. હાલ તો એક પોલીસ સ્ટેશનનનો ગુનો ઉકેલાયો છે અને વધુ પૂથપરછમાં વધુ ગુના ઉકેલાય તેવી શક્યતાઓ રહેલી છે.
મળતી માહિતી પ્રમાણે ગત 9 એપ્રિલના રોજ ભેસ્તાનમાં રહેતો 19 વર્ષીય હીરાકુમાર રાજભર નામનો યુવક પાંડેસરા ખાતે નોકરી પર જઈ રહ્યો હતો. બે મહિના પહેલા જ 10 હજાર રૂપિયાનો લીધેલો નવો ફોન ખીસ્સામાં મૂકી ભેસ્તાનથી પાંડેસરા જવા રિક્ષામાં બેસ્યો હતો.
રિક્ષામાં બેસ્યો ત્યારે પાછળ બે ઈસમો બેસેલા હતા. જે પૈકી એક ઈસમે કહ્યું હતું કે, મારે આગળ નજીકમાં ઉતરવું છે જેથી તમે વચ્ચે બેસી જાવ. ત્યારબાદ હીરાકુમાર રિક્ષામાં પાછળ બંને ઈસમો વચ્ચે બેસી ગયો હતો. જોકે, થોડીવારે વ્યવસ્થીત બેસવાના નામે આગળ પાછળ બેસાડ્યો હતો. ત્યારબાદ પાંડેસરા ખાતે પહોંચતા રિક્ષામાંથી ઉતરી ગયો હતો.
રિક્ષામાંથી ઉતર્યા બાદ થોડે આગળ જતાં જ ખીસ્સામાં મોબાઈલ ફોન ન હોવાની જાણ થતા રિક્ષા પાછળ દોડી રિક્ષા ડ્રાઈવરને બૂમ પાડી હતી. જોકે, રિક્ષા ડ્રાઈવરે પાછળ જોઈને રિક્ષા ભગાવી મૂકી હતી. જોકે, શેઠ અને ભાઈએ ફરિયાદ નોંધાવવાનું કહેતા ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ હાથ ધરતા રિક્ષામાં મુસાફરની નજર ચૂકવી ચોરી કરતા 3 ઈસમો અંને બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમી આધારે પાંડેસરામાંથી જ રિક્ષા ડ્રાઈવર વસંતલાલ પટેલ, ક્રિષ્ના યાદવ અને ટીંકુકુમાર ભુમિહારેની રિક્ષા અને મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી હતી. હાલ તો આ પાંડેસરાનો કેસ ઉકેલાય ગયો છે. ત્યારે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.