Satya Tv News

અબ્દુલ કરીમ મજીદ ખાને 5 લોકો પાસેથી પૈસા લઈ લીધા હતા પછી ફલેટની ડિલિવરી ન આપી

મુંબઈ :  દક્ષિણ મુંબઈના નાગપાડામાં એક બિલ્ડીંગમાં ફલેટ આપવાને બહાને પાંચ જણ સાથે ૪.૨૬ કરોડની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયેલ બિલ્ડર અબ્દુલ કરીમ મજીદ ખાન (૪૧)ની નાગપાડા પોલીસે વિશિષ્ટ માહિતીના આધારે કુર્લાથી ધરપકડ કરી હતી.

પોલીસે ફલેટ ખરીદવા ઈચ્છુકો સાથે છેતરપિંડી કરવાના આરોપસર જફર અહમદ સિદ્દીકી અને અબ્દુલ કરીમ મજીદ ખાન સામે આઈપીસીની કલમ ૪૨૦ , ૩૪ અને મોફા (મહારાષ્ટ્ર ઓનરશિપ ફલેટ્સ એક્ટ) કાયદાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો નોંધાયા બાદ બન્ને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

આ સંદર્ભે નાગપાડા પોલીસે આપેલ વિગતાનુસાર ફરિયાદી શબનમ ફરમાન શમસી (૪૦)એ નાગપાડાના ઉક્ત બિલ્ડરોના અલકુબા પ્રોજેક્ટ અને અજમલ હાઈટમાં ફલેટ માટે ૧.૮૦ કરોડ રૃપિયા ચૂકવ્યા હતા. આ સાથે જ અન્ય ચાર ખરીદદારોએ મળી કુલ ૪.૨૬ કરોડની રકમ ચૂકવી હોવા છતાં તેમને ફલેટ મળ્યો નહોતો અને તેમણે ભરેલી રકમ પણ પાછી મળી નહોતી તેથી ઉક્ત બન્ને બિલ્ડરો સામે નાગપાડા પોલીસ સ્ટેશનમાં પાંચ ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસ સૂત્રોનુસાર આ ફરિયાદો નોંધાયા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ લોકો અલગ- અલગ જગ્યાએ છૂપાયા ફરતા હતા અને મોબાઈલનો વધુ ઉપયોગ ન કરતા પરિવાર તેમજ સગા- સંબંધીઓના સંપર્કમાં પણ રહેવાનું ટાળતા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરતા નહીં તેથી તેમની ભાવ મેળવવી મુશ્કેલ થઈ ગઈ હતી.

પોલીસે તેમને ઝડપી લેવા બે ટીમ બનાવી હતી. આ ટીમે ઝીણવટભરી તપાસ કરી ટેકનિકલ અને વિશિષ્ટ માહિતીના આધારે ૭ એપ્રિલના રોજ અબ્દુલ કરીમ મજીદ ખાનની કુર્લાથી ધરપકડ કરી હતી. ખાન સામે કોર્ટે બેલેબલ તેમજ નોન- બેલેબલ વોરંટ જારી કર્યા છે.

આ લોકોની કાર્યપધ્ધતિ વિશે વધુ વિગત આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે ફલેટ ખરીદી કરવા આવતા ગ્રાહકોને આ લોકો ચાલુ અથવા ચાલુ થનાર અન્ય પ્રોજેક્ટમાં ફલેટ આપવાને નામે તેમના પાસેથી મોટી પ્રમાણમાં રોકડ રકમ સ્વિકરતા. ત્યારબાદ પ્રોજેક્ટ પૂરા ન કરી કે ફલેટનો કબજો કે રોકડ પાછી ન આપતા તેમની છેતરપિંડી કરતા હતા. પોલીસે આવાહન કર્યું હતું કે ઉક્ત આરોપીઓના બ્લ્યુ વન રિયલ્ટી અથવા એમઆરકે રિયલ્ટી પ્રોજેક્ટમાં છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવા લોકો નાગપાડાના સિનિયર મહેશકુમાર ઠાકુર અથવા પીઆઈ (ક્રાઈમ) રઈસ શેખનો સંપર્ક કરે.

error: