બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી કરી 3.84 લાખ ઉપરાંતની ચોરી.
GIDC પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
અંકલેશ્વર GIDC વિસ્તારની વૃંદાવન સોસાયટીના બંધ મકાનને તસ્કરો એ નિશાન બનાવી લાખોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ચકચાર મચી છે.
મળતી માહિતી અનુસાર અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટી ખાતે રહેતા અને ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાકટરનું કામ કરતા દિલીપસિંહ લાલજી ચાવડાના બંધ મકાનના પહેલા માળે આવેલ હોલનો દરવાજાનો અજાણ્યા તસ્કરો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને નીચેના રૂમમાં લાકડાના કબાટનો દરવાજો ખોલી અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.
તસ્કરોએ કબાટમાં મુકેલ સોનાનું મંગળ સૂત્ર, સોનાનો હાર, સોનાની વીંટીઓ, બુટ્ટી સહિત 3 લાખ 84 હજાર 420ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઈ જતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. મકાન માલિક દિલીપભાઈને પોતાના મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતા જ તેઓએ સમગ્ર મામલે અંકલેશ્વર GIDC પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. GIDC પોલીસે મકાન માલિકની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથધરી છે.