અકબરની પૂછપરછ માટે નાગપુર પોલીસ ફરી બેલગાંવ જશે
પીએફઆઈ સાથે જોડાયેલા અબર પાશાના કહેવાથી જયેશ કાંથા ઉર્ફે શાકીરે ધમકીના ફોન કર્યા હતા
મુંબઇ : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ધમકી આપવાના મામલામાં નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બેલગાવની જેલમાં બંધ આતંકવાદી અકબર પાશાના કહેવા પર જયેશ કાંથા ઉર્ફે શાકીરે ગડકરીની ઓફિસમાં કરોડો રૃપિયાની ખંડણી માટે ધમકીભર્યો ફોન કર્યો હતો. શાકીરની પૂછપરછ દરમિયાન આ માહિતી મળી હતી.
અકબર પાશા પ્રતિબંધિત સંગઠન પીએફઆઇમાં સદસ્ય છે. આથી નાગપુર પોલીસ અકબર પાશાની સાથે કેપ્ટન નશીર, ફહદ કોયા રશીદ મલબારી અને અન્ય આતંકવાદી સાથીદારની પૂછપરછ કરશે. આ માટે નાગપુર પોલીસ ફરીથી બેલગાવ જવાની છે, એમ જાણવા મળ્યું છે.
બેલગાવની જેલમાંથી ગડકરીને મારી નાખવાની ધમકી આપનારા જયેશ પૂજારી ઉર્ફે શાકીર એક નહીં પરંતુ અનેક પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલો હતો. તે આતંકવાદી ગતિવિધિમાં સામેલ ઘણા લોકોના સંપર્કમાં હતો. બેલગાવ જેલમાં આવવાના પહેલાથી જ શાકીર તેમની સાથે સંડોવાયેલો હતો. બેલગાવ જેલમાંથી પણ તેમની સાથે સંપર્કમાં હતો, એવી માહિતી પોલીસ કમિશનરે આપી હતી.
જયેશ ઉર્ફે શાકીર પીએફઆઇ, લશ્કર-એ- તૈયબા (એલઇટી), દાઉદ ઇબ્રાહિમ સાથે નિયમિત સંપર્કમાં હોવાના પુરાવા પોલીસને તપાસમાં મળ્યા હતા.
આ સંપૂર્ણ પ્રકરણના તાર પાડોશી દેશ તરફ જઇ રહ્યા હોવાનું કહેવાય છે. આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને નાગપુર પોલીસ કેન્દ્રીય તપાસ એજન્સી સાથે મળીને ઝીણવટભરી તપાસ કરી રહી છે.
૧૪ જાન્યુઆરીના જયેશે નાગપુરમાં ગડકરીના જનસંપર્ક કાર્યાલયમાં ધમકીભર્યા ફોન કરીને રૃા. ૧૦૦ કરોડની માગણી કરી હતી. ફોન કરનારે દાઉદ ઇબ્રાહિમ ગેંગનો મેમ્બર હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ ૨૧ માર્ચે સવારે નાગપુરમાં ૧૦.૪૫ વાગ્યાની આસપાસ ઓફિસ સ્ટાફ રાબેતા મુજબ કામ કરી રહ્યો હતો. તે સમયે ફોન આવ્યો હતો કે હું જયેશ છું, ‘ડી’ દાઉદ ગેંગનો ગુંડો. જો મને રૃા. ૧૦ કરોડ આપવામાં નહીં આવે તો ગડકરીની હત્યા કરવામાં આવશે એવી ધમકી આપવામાં આવી હતી. બાદમાં સવારે ૧૧.૧૫ વાગ્યા સુધી જયેશે વધુ બે વખત ઓફિસમાં ફોન કર્યા હતા.