ગુજરાત હાઇકોર્ટે પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. એવું કહેવાઈ રહ્યું છે કે, રાજસ્થાન પોલીસ ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી શકે છે.
- ગુજરાત હાઇકોર્ટનો ગજેન્દ્રસિંહ પરમારને ઝટકો
- આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
- ગુનાની ગંભીરતા જોતા જામીન ન આપી શકાયઃ HC
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમારને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, ગુનાની ગંભીરતા જોતા જામીન ન આપી શકાય. પૂર્વ મંત્રી સામે રાજસ્થાનના સિરોહી ખાતે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા આવી છે. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર તથા સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ સહિત કુલ 4 લોકો સામે રાજસ્થાનમાં સગીરા સાથે છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજસ્થાન પોલીસ ગજેન્દ્ર સિંહ પરમારની ધરપકડ કરી શકે છે.
ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે નોંધાયેલી ફરિયાદ બાદ હાઈકોર્ટમાં જામીન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની 17 ફેબ્રુઆરી સુધી ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે ગજેન્દ્રસિંહે હાઈકોર્ટમાં આગોતરા માટે ટ્રાન્ઝિટ આગોતરા માટે જામીન અરજી મુકી હતી. જોકે, આ અરજીને આજે ફગાવી દીધી છે.
વર્ષ 2020ની સમગ્ર ઘટનાને લઈને આ વર્ષે જ રાજસ્થાનના સિરોહીમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, ફરિયાદ કરનાર કિશોરીની માતાએ ગયા વર્ષે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં પીડિતાની માતાએ ધારાસભ્ય સાથે શારીરિક સંબંધ હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો.
પીડિતાની માતાએ આરોપ લગાવ્યો હતો કે, ‘MLA ગજેન્દ્રસિંહ સાથે તેમના શારીરિક સંબંધ હતા પણ વર્ષ 2020માં મારી દીકરીને આઇસ્ક્રીમ ખાવાના બહાને લઈ જઈને શારીરિક અડપલાં તથા જબરજસ્તી કરી હતી. આ લોકોના ત્રાસના કારણે જ મેં આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી તો ફરિયાદ લેવામાં આવી નહીં, બાદમાં કોર્ટમાં અરજી કર્યા બાદ ગુનો નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે રાજસ્થાનમાં પોસ્કો અને એટ્રોસિટી સંદર્ભે ગુનો નોંધાયો છે.’
પીડિત કિશોરીની માતાએ કહ્યું હતું કે, ‘ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ વારંવાર ધમકી આપતા હતા કે મારું મોટા લોકો સાથે ઉઠવા બેસવાનું છે, જો ફરિયાદ કરી તો માં-દીકરી બંને જાનથી મારી નાંખીશ. તમે મારુ કશું બગાડી શકશો નહીં.’