Satya Tv News

સુરત શહેરમાં અલગ અલગ બનાવમાં વધુ ત્રણ વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો. જેમાં વરાછામાં રહેતા રત્નકલાકારે મારો અગ્નિદાહ સુરતમાં આપજો, જીંદગીમાં ગમતું નહોતું લખી આપઘાત કરી લીધો હતો. છાપરાભાઠા રોડ પર રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈ લીધો હતો. જેને પગલે પરિવારે આક્ષેપ કર્યો હતો કે,’પતિના આડાસંબંધથી કંટાળી’ અંતિમ પગલું ભર્યું હતું. જ્યારે પડોળ વિસ્તારમાં યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેનું કારણ જાણવા મળ્યું નથી.

મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કેવદા ગામના વતની અને હાલ વરાછા વિસ્તારમાં આવેલા માતાવાડી નજીક ઈશ્વરકૃપા સોસાયટીમાં રૂમ પાર્ટનર સાથે રહેતો ભરત પોપટભાઈ સાપરા (ઉ.વ.28) હીરા મજૂરીનું કામ કરતો હતો અને વતનમાં રહેતા પરિવારને મદદ કરતો હતો. અપરણિત ભરતે પોતાના રૂમમાં લાકડા સાથે નાયલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. રૂમ પાર્ટનરે પોલીસને જાણ કરતા તપાસમાં ભરતે આત્મહત્યા કરતા પહેલા એક ચિઠ્ઠી લખી હતી. તેમાં લખ્યું હતું કે, ‘મારા અગ્નિદાહ સુરતમાં કરજો, મારા સગાવાલાને કોઈને કહેશો નહીં, મને જિંદગીમાં ગમતું ન હતું, જય સ્વામિનારાયણ’.

મૂળ જૂનાગઢના વિસાવદર તાલુકાના મણપોરી ગામની વતની અને હાલ અમરોલી, છાપરાભાઠા રોડ સ્થિત અક્ષર રો હાઉસમાં રહેતી ગીતાબેન અશોકભાઈ મકવાણા (ઉ.વ. 35)ની ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવને પગલે અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, ગીતાબેને ઘરમાં છતના પંખા સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પતિ સાથે ઝઘડો થયા બાદ તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પિયર પક્ષે ગીતાબેનના પતિના લગ્નેતર સંબંધથી કંટાળી જઈ તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનો આક્ષેપ કર્યો છે. મૃતક ગીતાબેનના પતિ રત્નકલાકાર છે. તેમને સંતાનમાં એક બાળક છે.

વેડ રોડ, પંડોળ સ્થિત રહેમતનગરમાં રહેતો રાજુ રામપ્રકાશ કેવટ (ઉ.વ. 27) લૂમ્સ કારખાનામાં નોકરી કરતો હતો. રાજુએ કોઈ અગમ્ય કારણસર ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. રાજુનો સાળો સવારે નોકરી પરથી ઘરે આવતા તેણે રાજુની ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોઈ બનાવ અંગે ચોકબજાર પોલીસ તપાસ કરી રહી છે. જોકે, હાલ યુવકના આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.

error: