
સુરતના રાજમાર્ગ, ચૌટા બજાર, કોટ્સફીલ રોડ સહિતના કોટ વિસ્તારમાં ફેરિયા, લારી, પાથરણાવાળાના દબાણોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
- સુરતના 3 કોર્પોરેટર ગુમ થયા
- કોર્પોરેટર વિરુદ્ધના પોસ્ટર વાયરલ
- કોર્પોરેટર ગુમ થયાનો પોસ્ટરમાં ઉલ્લેખ
સુરતના કોટ વિસ્તારમાં દબાણોથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે થોડા દિવસ અગાઉ જ મારામારીનો પણ બનાવ બન્યો હતો, ત્યારે સ્થાનિકો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કોર્પોરેટરો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સુરતના ત્રણ કોર્પોરેટર ગુમ થયાનું પોસ્ટર વાયરલ થતાં રાજકીય ગરમાવો ફેલાયો છે. પોસ્ટરમાં કોર્પોરેટર મળે તો ટ્રાફિક અને દબાણ હટાવવા હાજર કરવાનો ઉલ્લેખ કરાયો છે.
સુરત મહાનગર પાલિકાના ભાજપના કોર્પોરેટર રેશ્મા લાપસીવાલા, મનીષા મહાત્મા અને નરેશ રાણા વિરુદ્ધનું પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ પોસ્ટર લીમડા ચોક, ઘંટી શેરી, બાલાજી રોડના સ્થાનિકો દ્વારા વાયરલ કરવામાં આવ્યું છે. આ પ્રકારના મેસેજો થકી સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

‘
પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘ગુમ થયેલ છે!! કોટ વિસ્તારના 3 કોર્પોરેટરો. જેને મળે તેઓ તાત્કાલિક આ લોકોને લઈને દબાણો દૂર કરાવવા રાજમાર્ગ પર હાજર કરો. હાથ જોડીને વોટ માંગનારાઓ હવે જનતા પાસે હાથ જોડાવી રહ્યા છે. લિં. લીમડા ચોક, ઘંટી શેરી, બાલાજી રોડના સ્થાનિક રહેવાસીઓ’
અત્રે ઉલ્લેખયની છે કે, સુરત શહેરના રાજમાર્ગ, ચૌટા બજાર, કોટ્સફીલ રોડ સહિતના કોટ વિસ્તારમાં રોડ પર દબાણનો જટીલ પ્રશ્ન છે. છેલ્લા કેટલાંક સમયથી ફેરિયા લારીવાલા-પાથરણાવાળાના દબાણો વધી ગયા છે. જેના કારણે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે. તાજેતરમાં ચૌટા બજાર ખાતે આ મામલે સ્થાનિકો અને કોર્પોરેટરના PA વચ્ચ ઝપાઝપી પણ થઈ હતી.