વડોદરાની યુવતીને અમદાવાદના સાસરીયાએ શારીરિક અને માનસિક ત્રાસ આપીને પહેરલ કપડે ઘરમાંથી કાઢી મૂકતા જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વિદેશમાં રહેતા પતિએ પત્નીને તલાકની નોટિસ મોકલીને કહ્યુંઃ તમે મારું કંઇ નહીં બગાડી શકો, મારી ઊંચી રાજકીય વગ છે. તમને બધાને ક્યારે ઉડાવી દઉશ, ખબર પણ નહીં પડે.
વડોદરાની યુવતીએ અમદાવાદના સાસરીયા સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ-2019માં મારા લગ્ન અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી મુસ્લિમ પાર્ક સોસાયટીમાં રહેતા મોહંમદ એઝાઝ સાથે થયા હતા. જયાં એક અઠવાડિયા સુધી મને સારી રીતે રાખી હતી. જોકે, ત્યારબાદ મારા સાસુ હનીફા સૈયદ મારી સાથે ઘરકામને લઇને ઝઘડા કરવા લાગ્યા હતા. અને મ્હેણા ટોણા મારતા હતા કે, તું તો અભણ છે, તારી સાથે લગ્ન કરીને મારા દિકરાએ ભૂલ કરી છે. તારા બાપાએ દહેજમાં કંઇ આપ્યું નથી. તેમ કહીને મને માનસિક ત્રાસ આપતા હતા. મારી સાસુનુ ઉપરાણુ લઇને મારા સસરા ઇકબાલ સૈયદ મને ગમે તેમ બોલતા હતા.
લગ્નના થોડા દિવસ બાદ હું અને મારા પતિ બહાર ફરવા ગયા હતા. ઘરે આવતા મારા પતિ બીમાર થઈ જતાં મારા સાસુ સસરાએ મને ગાળો બોલીને મને ધક્કો મારીને નીચે પછાડી દીધી હતી અને મારા પતિ મારા માતા-પિતા સાથે મને વાતચીત કરવા દેતા નહોતા અને કહેતા હતા કે, આ ઘરમાં રહેવુ હોય તો અમે કહીએ તેમ કરવું પડશે. તારા પિતાએ મને માંગ્યા મુજબની કંઇ વસ્તુઓ આપી નથી. તેમ કહીને મારી સાથે બોલાચાલી કરતા હતા.
આ દરમિયાન 2020માં મારા પતિ દુબઇ ધંધા અર્થે ગયા હતા. મારા સાસુ-સસરા મારી સાથે ઝઘડાઓ કરતા હતા. હું બીમાર થઈ જતાં મારા ભાઇ-ભાભી મને મળવા માટે અમદાવાદ ખાતે આવ્યા હતા. ત્યારે મારા સાસુ-સસરાએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. મારા પતિ દુબઇ ગયા બાદ મારી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધુ હતું અને મારા મોબાઇલ નંબરને બ્લોકમાં નાખી દીધો હતો. જેથી મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.