Satya Tv News

કલોલ :  કલોલમાં આવેલ ભગવતી ફ્લોર મિલમાં મંગળવારે મામલતદાર દ્વારા દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. ફ્લોર ફેક્ટરીમાં સરકારી યોજનાનો ઘઉંનો જથ્થો પહોંચ્યો હોવાની મામલતદારને માહિતી મળતા તેઓ પુરવઠા ટીમ સાથે ફેકટરી પર પહોંચ્યા હતા. મામલતદારે ટ્રકોની પરમીટ તેમજ દસ્તાવેજોની તપાસ હાથ ધરી હતી. પુરવઠા તંત્ર દ્વારા ટ્રકોમાં રહેલ ઘઉંના સેમ્પલ લઈને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા.

કલોલ મામલતદાર ફિલ્ડ વિઝિટમાં હતા ત્યારે સઇજ હાઇવે પર આવેલી ભગવતી ફ્લોર ફેક્ટરી આગળ ટ્રકોની લાઇન પર નજર પડી હતી. દૈનિક આવતી ટ્રકો કરતા વધુ સંખ્યામાં ટ્રક હોવાથી અધિકારી ફેકટરીમાં તપાસ માટે પહોંચ્યા હતા. આ ટ્રકોમાં સરકારી ઘઉંનો જથ્થો હોવાની આશંકાએ મામલતદારે પુરવઠા તંત્રની ટીમને બોલાવી તપાસ હાથ ધરી હતી.

કલોલ મામલતદારને આ તમામ ટ્રકોમાં રહેલ ઘઉંનો જથ્થો સરકારની પોષણક્ષમ યોજનાઓનો હોવાની આશંકા ગઈ હતી. જેથી તેમણે કંપનીમાં તમામ દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી. પુરવઠા ટીમે આ જથ્થો સરકારી યોજનાનો છે કે નહીં તે ચકાસવા માટે તમામ ટ્રકમાંથી સેમ્પલ લીધા હતા. આ સમગ્ર દરોડાનો વિસ્તૃત અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીને મોકલવામાં આવશે તેમજ સરકારી યોજનાના ઘઉં હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.

મામલતદારે ૧૪ ટ્રક હંગામી ધોરણે સીઝ કરી

કલોલની ફ્લોર ફેક્ટરીમાંથી દૈનિક જથ્થા કરતા વધુ માત્રામાં ઘઉં ઉતરતા મામલતદારે તપાસ હાથ ધરી હતી. આ ઘઉંનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ સરકારી યોજનાનો લાગતા ઘઉં ભરેલી ૧૪ ટ્રક હંગામી ધોરણે સીઝ કરી હતી. જોકે કંપની મેનેજમેન્ટે જણાવ્યું હતું કે હાલ સિઝન હોવાથી મોટી માત્રામાં ઘઉંનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ તમામ માર્કેટયાર્ડની આવક છે અને તેના તમામ બિલ પણ રજૂ કર્યા છે.

error: