યુનિવર્સિટી દ્વારા અલગથી ખાતાકીય તપાસ પણ હાથ ધરાશે
વતન પરત જતી રહેલી વિદ્યાર્થિની અને તેના પિતાને પણ આ અંગે કોઈને કશું કહેવા સામે ફોન કરીને ધમકી આપી હતી
મુંબઈ : મહારાષ્ટ્રના ઔરંગાબાદમા યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની પર એક વર્ષથી વધુ સમય સુધી બળાત્કાર ગુજારનારા અને તેના માતા-પિતાને ત્રાસ આપવાના આરોપનો સામનો કરી રહેલા પ્રોફેસરને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
બેગમપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી અશોક બંડગર અને તેમની પત્ની સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. આરોપીની પત્નીએ તેના ગુનામાં મદદ કરી હતી.
ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના વહીવટીતંત્રે બંડગર વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. યુનિવર્સિટીએ તેની સામે અલગ વિભાગીય તપાસ હાથ ધરવાનું નક્કી કર્યું છે.
વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧માં ઓનલાઇન ક્લાસ દરમિયાન વિદ્યાર્થિની આ પ્રોફેસરના સંપર્કમાં આવી હતી.
પ્રોફેસરે તેને હોસ્ટેલના બદલે પોતાના ઘરે રહેવા સમજાવી હતી. પ્રોફેસરની પત્નીએ પણ વિદ્યાર્થિનીના પરિવારનો વિશ્વાસ જીતી લીધો હતો.
ઔરંગાબાદમાં પ્રોફેસરના ઘરે પીડિતા રહેતી હતી. ત્યારે ફેબુ્રઆરી ૨૦૨૨થી ફેબુ્રઆરી ૨૦૨૩ વચ્ચે આરોપીએ અનેક વખત તેને પોતાની વાસનાનો ભોગ બનાવી હતી.
પીડિતાએ પ્રોફેસરની પત્નીને બળાત્કારની જાણ કરી હતી. ત્યારે પ્રોફેસરની પત્નીએ તેને એમ કહી દીધું હતું કે તેમને તેની પાસેથી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે.
પીડિતા બુલઢાણામાં પોતાના ઘરે પાછી ગઈ હતી. ત્યારે વિદ્યાર્થિની અને તેના પિતાને ફોન કરી આરોપીએ ધમકી આપી હતી.
બંગાળની બીજી વિદ્યાર્થિની પર પણ બળાત્કાર ગુજાર્યો હતો, પણ ફરિયાદ ન થઈ
આરોપી પ્રોફેસર વિશે વધુ એક માહિતી સામે આવી છે. ૨૦૧૯માં તેણે પોતાના પદનો દુરુપયોગ કરીને પશ્ચિમ બંગાળની એક વિદ્યાર્થિની પર અત્યાચાર કર્યો હોવાનું કહેવાય છે. આ મામલે પીડિતાએ ઘટનાની વાઇસ ચાન્સેલરને જાણ કરી હતી. તેમણે વિદ્યાર્થિનીને ફરિયાદ કરવા જણાવ્યું હતું. પરંતુ પીડિતાના માતા-પિતાએ ફરિયાદ નોંધાવાની ના પાડી દીધી હતી.
વિદ્યાર્થિનીનું એડ્મિશન કેન્સલ કરીને તેને ઘરે લઈ ગયા હતા. આથી આ પ્રકરણ બહાર આવ્યું નહોતું, એમ કહેવાય છે.
હવે આ આરોપી અંગે પણ તપાસ કરવામાં આવશે એવી ચર્ચા થઈ રહી છે.