
મહારાષ્ટ્ર અને ગુજરાતની મિલ્કતોનો સમાવેશ
પ્રેમ પ્રકાશ સિંઘની મુંબઈના દહિસર તથા નાલાસોપારાની દુકાનો અને અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ સામેલ
મુંબઈ : ૪૮૫૬ કરોડનું મેફેડ્રોન ડ્રગ પકડાવાના કેસમાં મુ્ય આરોપી પ્રેમ પ્રકાશ સિંઘની મહારાષ્ટ્ર તથા ગુજરાત ખાતે આવેલી ચાર મિલ્કતો ટાંચમાં લેવામાં આવી છે.
સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપુલેટર્સ એક્ટ તથા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ હેઠળ સક્ષમ ઓથોરિટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું મુંબઈ પોલીસે જણાવ્યું હતું.
આ મિલ્કતોની કિંમત આશરે ૨.૬૭ કરોડ થવા જાય છે.
ગયાં વર્ષે મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા મેફેડ્રોન ઉત્પાદન તથા વેચાણની એક સિન્ડિકેટનો પર્દાફાશ કરાયો તો. પોલીસે મુંબઈના દહિસર અને નાલાસોપારા તથા ગુજરાતના અંકલેશ્વરથી ૪૮૫૬ કરોડ રૃપિયાની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ ડ્રગ કેસના સંદર્ભમાં મુખ્ય આરોપી પ્રેમ પ્રકાશ સિંઘની મુંબઈના દહિસરમાં આવેલી બે દુકાન, નાલાસોપારામાં આવેલી એક દુકાન તથા ગુજરાતના અંકલેશ્વરની જીઆઈડીસીમાં આવેલો પાંચ હજાર ચોરસ ફૂટનો પ્લોટ ટાંચમાં લેવામાં આવ્યાં છે.
એન્ટી નાર્કોટિક્સ સેલનાં વરલી યુનિટ દ્વારા આ કેસમાં પ્રેમ પ્રકાશ સિંઘ સહિત આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ સામે સ્થાનિક અદાલતમાં ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.