Satya Tv News

ટ્રક સાથે ટક્કર બાદ કારો એકબીજા પર ચઢી ગઈ

ખોપોલી એક્ઝિટ પાસે દુર્ઘટનાઃ 4 મહિલાઓ સહિત 6 ઘાયલઃ પુણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ

મુંબઈ :  મુંબઈ- પુણે એક્સપ્રેસ વે પર ખોપોલી પાસે આજે બપોરે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં એક ટ્રક સાથે એક કાર અથડાયા બાદ એકબીજાની આગળ પાછળ ચાલતી ૧૧ કાર પણ અરસપરસ ટકરાઈ ગઈ હતી. તમામ ગાડીઓની સ્પીડ બહુ જ વધારે હોવાથી તથા ટક્કરની અસર પણ પ્રચંડ હોવાથી કેટલીક કાર તો એકબીજાની ઉપર ચઢી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર મહિલાઓ સહિત છ પ્રવાસી ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે એકબીજા પરચઢી ગયેલી અને ભારે ડેમેજ પામેલી કારોેને કારણે ડરામણાં દૃશ્યો સર્જાયા હતા. અકસ્માત સ્થળનો વીડિયો દેશભરમાં વાયરલ થયો હતો. બનાવને પગલે કલાકો સુધી પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ સર્જાયેલો રહ્યો હતો. 

જાણવા મળ્યા અનુસાર પુણેથી મુંબઈ જઈ રહેલા ટ્રકની બ્રેક અચાનક ફેઈલ થતાં તેણે એક કારને ટક્કર મારી હતી. જોકે, અહીં અન્ય ગાડીઓ પણ અડોઅડ ચાલી હોવાથી તમામ કારો પ્રચંડ વેગ સાથે એકબીજાની ઉપર ટકરાઈ હતી અને તેમાંની કેટલીક કારોનો તો એકબીજા પર ખડકલો થઈ ગયો હતો. આટલી મોટી સંખ્યામાં કારો અથડાવાથી સર્જાયેલા પ્રચંડ અવાજ અને કારના કાચ તૂટવાની સાથે પ્રવાસીઓની ચીસાચીસથી સમગ્ર હાઈવે ગાજી ઉઠય ો હતો. મોટાભાગની ગાડીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. 

બનાવની જાણ થતાં પોલીસ તથા એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કેટલાય પ્રવાસી જાતે વાહનોમાંથી બહાર નીકળ્યા હતા જ્યારે કેટલાકને ઘટના સ્થળે દોડી આવેલા સ્થાનિક લોકો તથા અન્ય વાહનોના પ્રવાસીઓએ બહાર કાઢ્યા હતા. તેમાંથી છ ઘાયલોને નજીકના કામોઠે તથા ખોપોલીના દવાખાને ખસેડાયાં હતાં. 

અકસ્માત સ્થળે ભયંકર દૃશ્યો સર્જાવા જોતાં મોટાપાયે જાનહાનિની આશંકાઓ પણ વ્યક્ત કરાઈ હતી. જોકે, સદનસીબે આજે મોડી સાંજ સુધીમાં આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. 

બનાવને પગલે પુણે એક્સપ્રેસ વે પર સાંજ સુધી ટ્રાફિક ખોરવાયેલો રહ્યો હતો. પોલીસ તથા સ્થાનિક લોકોએ હાઈવે ક્લિયર કરવા માટે પ્રયાસો કર્યા હતા.

error: