Satya Tv News

હવામાનમાં આવેલા ફેરફારને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોમાં અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટીતંત્રે એલર્ટ જાહેર કર્યું, લોકોને ખરાબ હવામાન દરમિયાન ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી

  • ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા
  • ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથમાં બરફ પડ્યો
  • હવામાન વિભાગે 1 મે સુધી હવામાન આવું જ રહેવાની આગાહી કરી

જમ્મુ-કાશ્મીર, લેહ-લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. કુલ્લુ-મનાલી અને લાહૌલ-સ્પીતિમાં તાપમાન શૂન્યથી નીચે ગયું છે. રોહતાંગની અટલ ટનલ પાસે પણ બરફ પડી રહ્યો છે. મનાલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હવામાને પલટો લીધો છે. ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે, આ દરમિયાન હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથમાં બરફ પડ્યો છે. જેના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે અને યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે 1 મે સુધી હવામાન આવું જ રહેવાની આગાહી કરી છે.

મે મહિનો શરૂ થવાનો છે અને હિમાચલ અને ઉત્તરાખંડની સમગ્ર ખીણ પર્વતો પર હિમવર્ષાના કારણે ઠંડીની ચપેટમાં આવી ગઈ છે. હવામાનમાં આવેલા ફેરફારને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોમાં અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટીતંત્રે એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને ખરાબ હવામાન દરમિયાન ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે. હિમવર્ષાના કારણે રોહતાંગ અટલ ટનલને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશના ઉંચાઈવાળા ગામડાઓમાં આ દિવસોમાં સફરજનનું ફ્લોરિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કમોસમી હિમવર્ષાને કારણે સફરજન ઉત્પાદકો નિરાશામાં છે.

ઉત્તરાખંડમાં હવામાન વિભાગે 3800 મીટરથી વધુની ઉંચાઈવાળા વિસ્તારોમાં 1 મે સુધી ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે અને યલો એલર્ટ ચાલુ છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢના ઊંચાઈવાળા વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ, ગાજવીજ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન કેન્દ્ર શિમલાએ રાજ્યમાં 30 એપ્રિલ સુધી ખરાબ હવામાનની આગાહી જારી કરી છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશના તમામ 10 જિલ્લામાં વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે.

error: