ઘરના પાછળના દરવાજેથી ઘૂસીને ચાર જણા આખી તિજોરી લઈને ફરાર થઈ ગયા હતા
સીસીટીવીમાં આરોપીઓ કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
અમદાવાદમાં ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યાં છે. ઘરઘાટી તરીકે રાખેલા લોકો જ મોકો જોઈને ઘરમાંથી ચોરી કરતાં હોવાની ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક મકાનમાં દોઢ વર્ષ પહેલાં ઘરઘાટી તરીકે કામ કરતાં વ્યક્તિએ 14 લાખ રૂપિયાની ચોરી કરતાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ ગુનાની તપાસમાં ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી 6.64 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સર્વેલન્સ સ્કોડના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેમને બાતમી મળી હતી. આ બાતમીને આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં અને ટાગોર પાર્ક પોલીસ ચોકીમાં લઈ જઈને તેની પુછપરછ કરતાં તેઓ રાજસ્થાનના હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ ત્રણેય આરોપી કિશન પરમાર, ઇશ્વર મીણા અને વિનોદ મીણા પાસેથી 6.40 લાખ રોકડા અને મોબાઈલ સહિત 6.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ત્રણેય આરોપીએ રાત્રિના સમયે બંધ મકાનમાંથી ચોરી કરતાં હતાં.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા પરેશાબેન શાહ નામના વૃદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 30મી એપ્રિલે તેઓ તેમના ઘરમાં કામ કરતાં શીવાભાઈ, મોહનભાઈ, નરેશભાઈ તથા તેમના પત્ની મારા ઘરે સર્વન્ટ રૂમમાં હાજર હતાં. મારો દીકરો મીત તેના પરિવાર સાથે ઉત્તરાખંડ ફરવા ગયો હતો. તેની નાની દીકરીની તબિયત બગડતાં તે વિમાન મારફતે અમદાવાદ રવાના થયો હતો. મારા ઘરમા હાજર ઘરઘાટી જ્યારે ઉપરના રૂમમાં સફાઈ કરવા માટે ગયા હતાં ત્યારે ઉપરના રૂમના દરવાજા ખુલ્લા હતાં અને રૂમમાં રાખેલી તિજોરી ગાયબ હતી.
આ દરમિયાન તેમના દીકરાએ અમદાવાદ આવીને સીસીટીવી કેમેરામાં જોતાં ઘરમાં ઘૂસેલ માણસ દોઢેક વર્ષ પહેલાં મારા ઘરે કામ કરતો ઘરઘાટી કિશન દેવડા જેવી હીલચાલ ધરાવતો હતો. તેમજ તેની સાથે અન્ય ત્રણ ઈસમો પાછળના દરવાજેથી ઘૂસીને મારા ઉપરોક્ત ઘરના રાખેલી તિજોરીમાં 14 લાખ રૂપિયા રોકડા, બેંક ઈન્ડિયાના પાંચ ચેક, અન્ય બેંકના ચાર ચેક, તથા ઓફિસના હિસાબ કિતાબની પેન ડ્રાઈવ રાખેલ હતી. આ તિજોરી તેઓ ઉપાડીને લઈ ગયાં છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં.