મૃતક યુવકની બહેનના શુક્રવારે જ લગ્ન થવાના હતા અને એક જ પરિવારના પાંચ યુવકો ગંડક નદીમાં ડૂબી ગયા, અત્યાર સુધી માત્ર એક જ મૃતદેહ મળ્યો
- બિહારના બેગુસરાય જિલ્લામાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ
- એક જ પરિવારના પાંચ યુવકો ગંડક નદીમાં ડૂબી ગયા
- એક યુવકનો મૃતદેહ મળ્યો અન્ય ચારની શોધખોળ યથાવત
બિહારના બેગુસરાય જિલ્લામાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, એક જ પરિવારના પાંચ યુવકો ગંડક નદીમાં ડૂબી જતાં લગ્ન સમારોહ ગમગીનીમાં ફેરવાઈ ગયો છે. વિગતો મુજબ હાલ સ્થાનિક તરવૈયાઓ અને SDRFની ટીમ દ્વારા ડૂબી ગયેલા તમામ યુવકોના મૃતદેહની શોધ કરવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધી માત્ર એક જ મૃતદેહ મળી આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતક છોટુ કુમારની બહેનના શુક્રવારે જ લગ્ન થવાના હતા, પરંતુ તે પહેલા જ આ ઘટના બની હતી.
બિહારના બેગુસરાયનાં સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિષ્ણુપુર અહો ગંડક ઘાટની આ ઘટનાથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા મૃતક છોટુ, અવિનાશ અને આકાશ ત્રણેય પિતરાઈ ભાઈ હતા જ્યારે અન્ય બે યુવકો મુંગેરના રહેવાસી હતા જેઓ લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન ગંડક નદીમાં ન્હાતી વખતે ડૂબી જવાથી આ પાંચ બાળકોના મોત થયા હતા, જેમાંથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ વિષ્ણુપુર આહોના રહેવાસી કમલેશ સિંહના પુત્ર છોટુ કુમાર તરીકે થઈ છે, જ્યારે ચારેય મૃતદેહોની શોધ હજુ ચાલુ છે.
આ તરફ ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક તરવૈયા અને એસડીઆરએફની ટીમ સતત બાળકોના મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એકસાથે 9 બાળકો ગંડક નદીમાં નહાવા ગયા હતા, જેમાં બધા બાળકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ દરમિયાન સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ જીવના જોખમે ચાર બાળકોને કોઈક રીતે સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી, જ્યારે પાંચના ડૂબી જવાથી મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ગંડક ઘાટ પર નવનિર્મિત પુલ 6 મહિના પહેલા તેના ઉદ્ઘાટન પહેલા જ ધરાશાયી થઈ ગયો હતો અને ત્યારબાદ ગંડક ઘાટ પણ જોખમી બન્યો હતો. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. સ્થળ પર મોટી સંખ્યામાં લોકો હાજર છે.