ચીખલી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજય પટેલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા પોલીસ બેડામાં હાહાકાર મચી જવા પામ્યો છે.
- નવસારીના પોલીસ જવાને કરી આત્મહત્યા
- ચીખલી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાધો
- બીમારીના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ
નવસારીમાં પોલીસ જવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી હડકંપ મચી ગયો છે. હાલ ચીખલી પોલીસની ટીમ દ્વારા હેડ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય પટેલે પોલીસ ક્વાર્ટર્સમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગેની જાણ થતાંની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પોલીસ ક્વાર્ટર્સ ખાતે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા મૃતક સંજય પટેલ છેલ્લા કેટલાય દિવસોથી બીમાર હોવાનું સામે આવ્યું હતું. જેથી બીમારીના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. સંજય પટેલ પીએસઓ અને બીટ જમાદાર તરીકે ફરજ બજાવતા હતા.