Satya Tv News

  • 24 કલાકમાં શહેર અને આસપાસનાં 4 સ્થળોએ આગની ઘટના
  • ચોખા ભરેલો ટેમ્પો સળગ્યો, ડ્રાઇવર ફરાર,ક્લીનર ફસાયો

શહેરમાં શનિવારે રાત્રે 12.45 વાગ્યે આગના બે બનાવ બન્યા હતા. જેમાં તરસાલી અને માંજપુર ખાતે બનેલા બન્ને બનાવોમાં મળીને 5 લોકોના જીવ બચાવાયા હતા. પ્રથમ બનાવમાં તરસાલી વિસ્તાર પાસે ચોખા ભરેલો ટેમ્પો પલટી ખાઈ જતાં આગ લાગી હતી. જેમાં તેનો ક્લીનર ટેમ્પોમાં જ ફસાઇ ગયો હતો. ત્યારબાદ આગ લાગી હતી. જો કે સ્થાનિકોએ તેને બચાવ્યો હતો. જ્યારે માંજલપુરમાં કરિયાણાની દુકાનમાં આગ લાગતા ચાર લોકોને રેસ્ક્યુ કરાયા હતા.

ફાયર બ્રિગેડના સબ ઓફિસર જયદીપ ગઢવી મુજબ ધનીયાવી ચોકડી પાસે શનિવારે રાત્રે વડોદરાથી સુરત જઈ રહેલો આઇસર ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. ચોખા ભરેલા આ ટેમ્પાના અકસ્માત બાદ ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જ્યારે ક્લીનર ટેમ્પામાં ફસાઈ ગયો હતો. આ સમયે અચાનક ટેમ્પામાં આગ લાગી હતી. જોકે સ્થાનિક લોકોએ યુવકને બહાર કાઢી 108 દ્વારા સારવાર માટે ખસેડ્યો હતો. જ્યારે બીજી તરફ ફાયરબ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવી મોટી હોનારત થતા અટકાવી હતી.

અટલાદરા કમ્પોસ્ટ પ્લાન્ટમાં રવિવારે રાત્રે 8:30 વાગ્યે આગ લાગી હતી. લાશકરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગ મુજબ નજીક જ રહેણાંક વિસ્તાર છે. જેમાંથી કોઈએ કચરો સળગાવતા પવનને લીધે કમ્પોસ્ટ પ્લાન્ટના કચરામાં આગ લાગી હતી. સ્થાનિક દિલીપભાઈ માળીએ બનાવ અંગે જણાવ્યું કે આગને પગલે ધુમાડો આજુબાજુની સોસાયટીઓમાં ફેલાતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે કોઈને સ્વાસ્થ્યમાં નુકસાન થયું નથી. ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. 10 સોસાયટીઓની દીવાલને અડીને કમ્પોસ્ટ પ્લાન્ટમાં કચરામાં આગ લાગી હતી.

માજલપુર વિસ્તારમાં આવેલા ગીત બંગલો પાસેની અનાજ અને કરિયાણાની દુકાનમાં આગ લાગતાં દોડધામ મચી હતી. અનાજ કરિયાણાની દુકાન હર્ષ એન્ટરપ્રાઇઝમા શોર્ટ સર્કિટથી લાગેલી આગને પગલે મકાન ઉપર રહેતા પરિવારના 4 લોકોને રેસ્ક્યુ કરાયા હતા. દુકાનની આગળ દાદર હોવાથી તેમને નીચે ઉતારાય તેમ ના હોવાથી ફાયરબ્રિગેડે અગાસીમાં મોકલી આગ કાબુમાં લઇ નીચે ઉતાર્યા હતા. જેમાં 58 વર્ષીય વિરેન્દ્ર શાહ, 55 વર્ષીય પૂર્ણિમાબેન શાહનો સમાવેશ થાય છે.

તરસાલી ચેકપોસ્ટ પાસે 1 હજાર જપ્ત કરાયેલા વાહનોના પોલીસના ગોડાઉનમાં રવિવારે સવારે 9:15 વાગ્યે આગ લાગતાં ઘટના સ્થળે દોડી ગયેલા ફાયરબ્રિગેડના લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે 10 ટુ વ્હિલર ખાખ થયા હતા. સમગ્ર ઘટના અંગે મકરપુરા પોલીસ મથકના એએસઆઇ વિક્રમભાઈ મુજબ તરસાલી ખાતે પોલીસે શહેરમાંથી જપ્ત કરેલા વાહનો સંગ્રહ કરાય છે. જેમાં 1000 ટુ વ્હીલર અને 70 ફોરવ્હિલર અને મોટા વાહનો હતા. સવારે આગ લાગી હતી, કારણો જાણી શકાયા નથી. એફએસએલની મદદ લેવામાં આવી છે.
આગની જાણ થતા ફાયર બ્રિગેડ ગણતરીની મિનિટોમાં આવી જતા મોટી આગ લાગતા અટકી હતી. વાડી અને છાણી પોલીસ મથકના કબજે કરેલા 10 ટુવિલર સળગી ગયા હતા. ફાયર બ્રિગેડ મુજબ તમામ વાહનો નજીક હતા. આગ કાબુમાં ન આવી હોત તો વધુ વાહનો ઝપેટમાં આવ્યા હોત.

error: