Satya Tv News

બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા માટે દરિયામાં ગયા પણ ભરતી આવી અને ફસાઇ ગયા હતા

દાંડીના દરિયાકિનારે હાલ વેકેશનમાં મહુવા તાલુકાના વલવાડા ગામના 6 યુવકો ફરવા આવ્યા હતા. બપોરે ગરમી હોય તમામ યુવાનો નાહવા પડ્યા હતા. ભરતી હોય પાણી વધતા યુવકો દરિયાના પાણીમાં ખેંચાઈ જતા બચાવો બચાવોની બૂમો પાડી હતી. જેને લઈ કિનારે ફરજ બજાવતા મરીનના હોમગાર્ડ જવાનોએ લાઈફ જેકેટ લઈને યુવાનો ડૂબતા હતા તેમને બચાવી લઇ સહી સલામત કિનારે લાવ્યા હતા. નવસારીના દાંડીના દરિયાકિનારે હાલ વેકેશન હોય સહેલાણીઓ દૂર દૂરથી ફરવા આવે છે.

જેને લઈ દાંડી દરિયાકિનારે દાંડી મરીન પોલીસ દ્વારા હોમગાર્ડની સ્પેશ્યલ ડ્યુટી રાખવામાં આવે છે. મંગળવારે બપોરે મહુવા તાલુકાના વલવાડા ગામના 6 યુવકો દાંડીના દરિયાકિનારે ફરવા આવ્યા હતા. ગરમી વધુ હોય તેઓ દરિયામાં નાહવા પડી મોજમસ્તી કરતા હતા. દરમિયાન અચાનક બપોરની ભરતીને કારણે પાણી વધતા હોય તેનો ખ્યાલ યુવકોને આવ્યો ન હતો. થોડા સમય બાદ તેઓ ઊંડા પાણીમાં ખેંચાતા હોવાનો અહેસાસ થયો હતો, જેના કારણે તમામે બચાવો બચાવોની બૂમો પાડી હતી.

​​​​​​​​​​​​​​જેને પગલે દરિયા કિનારે ફરજ બજાવતા 5 હોમગાર્ડ જીજ્ઞેશ ડી.ટંડેલ, નીતિન ટંડેલ, ચંદ્રકાન્ત એ.પટેલ, પ્રશાંત પટેલ, દિવ્યેશ આર.ટંડેલના ધ્યાને યુવકો ડૂબી રહ્યાનું આવતા તુરંત લાઈફ જેકેટ લઈ જ્યાં યુવકો ડૂબતા હતા તે જગ્યાએ પહોંચી ગયા હતા અને જવાનોએ પોતાની સાથે લાવેલા લાઈફ જેકેટ ડૂબી રહેલા તમામ યુવકોને પહેરાવી દઇ સહી સલામત રીતે કિનારે લઇ આવ્યા હતા. બચી ગયેલા યુવકોએ હોમગાર્ડ ના જવાનોનો જીવ બચાવવા બદલ આભાર માન્યો હતો. જીવ બચાવનાર તમામ હોમગાર્ડને એ.એસ.આઇ. રાજુભાઇ ગોરખ અને ઉપસ્થિત લોકોએ અભિનંદન આપ્યા હતા.

બપોરે દરિયાની ભરતી આવતા ઉંડા પાણીમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી રહેલા કેટલાક યુવાનો પૈકી એક યુવાનનો હાથ બચાવવા માટે અઢી કિલોમીટર દૂર દરિયામાં ઇશારો કરતો જણાતા એ જોઇને તરત જ તમામ હોમગાર્ડે દરિયાની દિશામાં દોડ મુકી તરીને તમામ યુવકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. ડૂબતા બચેલા યુવકો આ ઘટનામાં હેમખેમ બહાર આવતા જીવ બચાવનાર હોમગાર્ડને પગે લાગી આભાર પણ માન્યો હતો.> ચંદ્રકાંત પટેલ, હોમગાર્ડ, ફર્સ્ટ પર્સન.

error: