Satya Tv News

આજથી ચાર વર્ષ પહેલાં 24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ અગ્નિકાંડને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ આખા અગ્નિકાંડમાં હજુ પણ વાલીઓને ન્યાય મળ્યો નથી. આ કેસના 14 આરોપીઓ પણ જામીન પર જેલમુક્ત થઈ ગયા છે. જોકે, હવે સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થતા વાલીઓને ઝડપથી ન્યાય મળે તેવી અપેક્ષા છે.

24 મે, 2019ના દિવસે તક્ષશિલા બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લિટ એરકન્ડીશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી. જાહેરાત માટે લગાડવામાં આવેલી વિશાળ પેનલ આ આગની ઝપેટમાં આવી ગઈ હતી. દરમિયાન નીચેની આગ મીટરરૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઊઠ્યો હતો. પ્રથમ અને બીજા માળના લોકો સિમેન્ટની સીડી મારફત નીચે ઊતરી ગયા હતા એટલે આ બંને ફ્લોર ઉપર કોઈ જાનહાનિ થઈ નહોતી.

જ્યારે ત્રીજા માળે ક્લાસરૂમમાં બનાવટી છત લગાડવામાં આવી હતી. માળની હાઇટ ઓછી હોવાને કારણે બેસવાને માટે ખુરશીને બદલે ડિઝાઇનર ટાયરનો ઉપયોગ થયો હતો. છત તથા ટાયર જ્વલનશીલ હોવાને કારણે ઉપર સુધી પહોંચેલી આગ ભયાનક રીતે ફેલાઈ હતી. ચોથા માળે આગ પહોંચતાં વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, એમાં પણ અમુક વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનામાં કુલ 22 માસૂમોના જીવ ગયા હતા.

અતુલ ગોરસાવાલા,હિમાંશુ ગજ્જર,પરાગ મુન્શી,વિનુ પરમાર,દીપક નાયક,જિજ્ઞેશ પાઘડાલ,કીર્તિ મોડ,સંજય આચાર્ય,જયેશ સોલંકી,ભાર્ગવ બુટાણી,રવિ કહાર,હરસુખ વેકરિયા,દિનેશ વેકરિયા,સવજી પાઘડાલ,ડિસ્ચાર્જ અરજીમાં 4 મહિના નીકળ્યા આરોપીઓ જુદા-જુદા તબક્કે પકડાયા હતા. આથી જેમ પકડાયા તેમ ચાર્જશીટ થઇ. ત્યારબાદ આરોપીઓએ સમગ્ર ગુનામાથી છટકવા માટે ડિસ્ચાર્જ અરજી કરી. આરોપીઓ હાઇકોર્ટ ગયા અને ત્યાં પણ અરજી નામંજૂર થઈ. આ પ્રક્રિયામાં ચાર મહિનાનો સમય વીતી ગયો.

ચાર્જફ્રેમનો સ્ટેજ પુરો થયા પછી સર તપાસ, ઉલટ તપાસનો દૌર શરૂ થશે. જેમાં 226 સાક્ષી ચકાસાશે. ચાર્જફ્રેમની પ્રોસિઝરમાં કોર્ટ આરોપીઓને પૂછતી હોય છે કે આ ગુના કબૂલ છે. તો આરોપીઓ ના પાડતા હોય છે પછી જે તે રજિસ્ટરમાં સહી કરતા હોય છે અને પછી ટ્રાયલ શરૂ થતી હોય છે. હાલ આ કેસમાં સાક્ષીઓ ચકાસવાનું 20 મેથી શરૂ થયું છે.એક પણ આરોપી ગેરહાજર રહે તો ચાર્જફ્રેમ અટકી જાય છે. આ કેસમાં એવું ત્રણવાર બન્યુ કે ચાર્જફ્રેમની તમામ તૈયારીઓ થઈ ગઈ. જામીન મુક્ત આરોપી કોર્ટમાં પણ આવ્યા, પરંતુ પોલીસ જાપતો જ ન મળતાં આરોપીઓ લાજપોર સેન્ટ્રલ જેલથી સુરત કોર્ટ સુધી ન આવી શક્યા.

27મી ફેબ્રુઆરી, 2020ના રોજ આ કેસ નીચલી કોર્ટમાંથી સેશન્સ કમિટ થયો હતો. ત્યાર બાદ કોરોનાની સ્થિતિએ ભરડો લીધો હતો અને દિવાળી સુધી કોર્ટ બંધ રહી હતી. તમામ કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ થયું. અને ટૂંક જ સમયમાં કોરોનાની બીજી લહેર ઊઠતાં ફરી કોર્ટમાં ઓનલાઇન પ્રોસિઝર થઈ.

તક્ષશિલા અગ્નિકાંડમાં 20 મેના રોજ વાલીઓના નિવેદન લેવાની શરૂઆત થઈ હતી. બે વાલીઓએ જ્યારે કોર્ટમાં આવ્યા ત્યારે પોતાનુ દુ:ખ રોકી ન શક્યા અને કોર્ટમાં રડી પડતા માહોલ ગમગીન થઈ ગયો હતો. જ્યારે એવો સવાલ આવ્યો કે લાશ કેવી રીતે ઓળખી ત્યારે તેઓ વધુ ભાવુક થઈ ગયા હતા. હવે આ કેસમાં આગામી 4 જૂને સુનાવણી થનાર છે.

22 માસુમ બાળકો ગુમાવનારા વાલીઓ આજે પણ દરેક ક્ષણે આંસુ સારી રહ્યા છે. દરેક નાની-મોટી વાતમાં બાળકો સતત તેમને યાદ આવતા રહે છે.જ્યારે પણ તેઓ તક્ષશિલા આર્કેડ પાસેથી પસાર થાય છે ત્યારે દુખદ ઘટના નજરની સામે આવી જાય છે. વાલીઓને દુખ એ વાતનું પણ છે કે ચાર-ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં આરોપીઓનો વાળ પણ વાંકો થયો નથી. કેસની ન્યાયિક કાર્યવાહી હજી ચાલી રહી છે.તમામ આરોપીઓ જેલની બહાર છે અને સજા અપાવવાની વાલીઓની ઇચ્છા મનમાં જ કેદ છે. જે કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે તેમાં ત્રણ જજ બદલાઈ ગયા છે. સાક્ષીઓની વાત કરીએ તો 258માંથી 93 જ સાક્ષી ચકાસાયા છે. ફરિયાદ પક્ષના એડવોકેટ પિયુષ માંગુકિયા કહે છે કે વાલીઓની જુબાનીનો પ્રારંભ થયો છે. આશા રાખીએ છીએ કે જલદી ન્યાયિક પ્રક્રિયા પુરી થાય અને વાલીઓને ન્યાય મળે. સુનાવણી રોજ ચાલે તેવી અરજી કરાઈ હતી પરંતુ આ કેસના ભારણના તારણ સાથે નામંજૂર કરાઈ હતી. મૂળ ફરિયાદી હાઇકોર્ટમાં અરજી કરનારા છે. વળતર જમા કરાવવાનું કહેવાયુ હતુ. 25 લાખ સુધી જમા કરાવ્યા હતા. દોઢ કરોડ જમા થયા. પરંતુ વાલીઓેએ એક પણ રૂપિયો લીધો નથી.

તક્ષશિલા દુર્ઘટના વખતે જતીન નામનો યુવક ચોથા માળેથી કૂદ્યો હતો. ઇજાને લીધે તે થોડો સમય કોમામાં પણ રહ્યો હતો. લાંબા સમયની સારવાર બાદ હાલ તે ઘર પહોંચ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. કુંટુંબીજનો કહે છે કે ડોક્ટર તો કહે છે કે સારુ થઈ જશે પરંતુ ક્યારે થશે એ કોઈ કહેતુ નથી.

error: