Satya Tv News

છત્તીસગઢના પંખાજૂરમાં એક ફૂડ ઈન્સ્પેક્ટરનો મોબાઇલ પાણીમાં પડી ગયો હતો

એક ફોન ખાતર દોઢ હજાર એકર ખેતરોની સિંચાઈ કરી શકાય એટલા 21 લાખ લીટર પાણીનો વેડફાટ કરી નખાયો

સામાન્ય નાગરિકોને થતી તકલીફોથી ન તો નેતાઓને ન તો સરકારી અધિકારીઓને કોઈ ફેર પડે છે પણ જ્યારે તેમની વાત આવે તો તેઓ કેવી હદો વટાવી જાય છે તેનું આ ઉદાહરણ તમારી સામે છે. છત્તીસગઢના પંખાજૂરમાં એક ફૂડ ઈન્સ્પેક્ટરનો iphone મોબાઇલ પાણીમાં પડી ગયો હતો. પોતાનો મોબાઈલ ગુમાવવાનું દુઃખ સાહેબને સહન ના થયું અને તેમણે તેને શોધવા માટે ડેમમાં ભરેલું લાખો લીટર પાણી વહાવી નાખ્યું. એક ફોન ખાતર દોઢ હજાર એકર ખેતરોની સિંચાઈ કરી શકાય એટલા પાણીનો વેડફાટ કરી નખાયો. 

માહિતી અનુસાર અધિકારીનો મોબાઈલ તો મળી ગયો છે પણ હવે બગડી ગયો છે. ખરેખર કોયલીબેડા બ્લોકના એક ફૂડ ઓફિસર રવિવારે રજા માણવા ખેરકટ્ટા પરલકોટ ડેમ પહોંચ્યા હતા. અહીં અધિકારીનો મોબાઇલ ફોન પરલકોટ ડેમના ઓવર પુલ 15 ફૂટ સુધી ભરાયેલા પાણીમાં પડી ગયો હતો. અધિકારીએ મોબાઈલ શોધવા માટે ગામના લોકોને બોલાવ્યા. સારા એવા સ્વિમરોને ઉતારાયા પણ સફળતા ન મળી. 

તેના પછી ફોન શોધી કાઢવા માટે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ. પછી આ લોકોએ 30 એચ.પીનો પંપ લગાવી ડેમમાંથી પાણી કાઢી નાખ્યો. પાણી કાઢવા માટે સતત ૩ દિવસ સુધી પંપ ચલાવવામાં આવ્યો હતો. જોકે ડેમમાંથી પાણીના વેડફાટના સમાચાર ઉપરી અધિકારીઓ સુધી પહોંચ્યા ત્યારે સિંચાઈ વિભાગના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને તેમણે પંપ બંધ કરાવ્યો. તેના પછી ફરી શોધવામાં આવતા મોબાઈલ ફોન તો મળી ગયો પણ બગડી ગયો હતો. 

અંદાજ અનુસાર ગત સોમવારથી ગુરુવાર સુધીમાં સતત 24 કલાક સુધી 30 હોર્સ પવારના બે ડીઝલ પંપ દ્વારા આશરે 21 લાખ લીટર પાણીનો વેડફાટ કરી દેવાયો. પાણીની આટલી માત્રા દોઢ હજાર એકર જમીનની સિંચાઈ  કરવા માટે પૂરતી હતી. આ મામલે જળ સંસાધન વિભાગના અધિકારી રામ લાલ ઢિંવર કહે છે કે અમે મૌખિક રીતે 5 ફૂટ સુધી પાણી કાઢવાની મંજૂરી આપી હતી પણ ત્યાં તો 10 ફૂટ સુધી પાણી કાઢી નાખવામાં આવ્યું. 

error: