ગુજરાતમાં હજી ચોમાસાની શરૂઆત થઈ નથી. પરંતુ કમોસમી વરસાદે સરકારી વિકાસની પોલ ખોલી નાંખી છે. વિકાસની મોટી ગુલબાંગો ફૂંકતાં સત્તાધીશો સામે ગઈ કાલે થયેલા સહેજ વરસાદમાં જ વિકાસ જાહેર થઈ ગયો હતો. ચોમાસા પહેલાં ફતેવાડી વિસ્તારમાં પડેલા ભૂવાએ ભ્રષ્ટાચારને જાહેર કરી દીધો છે. ફતેહવાડી વિસ્તારમાં RCC રોડમાં ભૂવો પડતા નેનો કાર ગરકાવ થઈ ગઈ હતી. હજી આ કમોસમી વરસાદમાં સામે આવેલી ઘટના છે. પરંતુ ચોમાસામાં શું થશે એ સવાલ અત્યારથી જ લોકોના મોઢે ચર્ચાતો થઈ ગયો છે. ગઈકાલે થયેલા માવઠાને કારણે શહેરના સરસપુર વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે.
શહેરમાં ફતેહવાડી વિસ્તારમાં ભૂવો પડતા એક દુર્ઘટના સર્જાઈ હતી. RCC રોડમાં ભૂવો પડતા નેનો કાર અચાનક ભૂવામાં ખાબકી હતી. કાર ભૂવામાં પડવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફતેહવાડી વિસ્તારમાં જ્યાં ભૂવો પડ્યો છે ત્યા ગત વર્ષે પણ ભૂવો પડ્યો હતો. ગત વર્ષે આ ભૂવામાં એક સ્કૂટર ખાબક્યું હતું. સ્કૂટર ભૂવામાં પડવાની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરીમાં 50,000થી વધુ કેચપીટો બે- ત્રણ વાર સાફ કરાઈ હતી.ગટરના ઢાંકણાઓ પણ બદલવામાં આવ્યા છે. તમામ જગ્યાએ લાઈનોને સાફ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે ગઈકાલે 30 મિનિટ શહેરમાં ધોધમાર વરસાદ પડતાની સાથે જ આ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. ગટરની કેચપીટોમાં પાણી ઝડપથી ઊતરતું ન હતું અને પાણી ભરાયેલું રહેતું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને કમિશનરથી લઈ તમામ અધિકારીઓ વચ્ચે પ્રિ-મોનસુનની બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગથી લઈ તમામ વિભાગો દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કોર્પોરેશનના ઇજનેર વિભાગ અને અન્ય વિભાગો દ્વારા કેવી કામગીરી કરવામાં આવી છે, તેની પોલ આ એક વરસાદે જ ખોલી નાખી છે.