10 રૂમ ખાલી કરાવી પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા, વીસ હજાર લિટર પાણીના મારા બાદ આગ કાબૂમાં
દ્વારકા: દ્વારકા – જામનગર હાઈવે પર દ્વારકાથી આઠ કિલોમિટરના અંતરે આવેલી ધ ફર્ન હોટલમાં બપોરના સમયે શોર્ટ સર્કીટ થવાથી ચોથા માળના એક રૂમમાં પ્રચંડ આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઈ હતી.
હાઈવે પર ચાર માળની આ હોટલમાં ચોથા માળે વીજ શોર્ટ સરકીટ થતાં પહેલા ધૂમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતાં. બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે હોટલના અન્ય રૂમમાં રોકાયેલા પ્રવાસીઓમાં અફડાતફડી મચી ગઈ હતી. આ હોટલના રૂમનંબર ૪૦૭માં ાગ લાગતા હોટલના ચોથા માળના દશે’રૂમોના પ્રવાચીઓને સલામત નીચે ઉતારી રૂમ ખાલી કરાવી દીધા હતાં.
આ ઘટનાના અનુસંધાને હોટલ સંચાલકે દ્વારકા ફાયર બ્રિગેડ સ્ટાફને જાણ કરી હતી. આથી ફાયર ટીમ બંબાઓ સાથે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. આ ટીમે નીચેથી સીડી મારફતે ઉપર જઈ રૂમની બારીનો કાચ તોડી આગને શાંત કરવાનું કામ આરંભ્યું હતું. આગમાં એરકન્ડીશનર, ટી-વી સહિતનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેને બૂઝાવવા વીસ હજાર લીટર પાણીનો મારો બોલાવવો પડયો હતો. જો કે, આગ કાબૂમાં આવી જતાં બધાએ હાશકારો અનુભવ્યો હતો. બનાવ દરમિયાન કોઈ જાનહાનિ ન થતાં બધાએ નિરાંતનો શ્વાસ લીધો હતો.