અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા તેમજ આસપાસના ગામોમાં પીવાનું પાણી દૂષિત બની જતાં સ્થાનિકોએ આંદોલનની ચીમકી આપી હતી. સ્થાનિકોએ કાન આમળતાં જીપીસીબીનું તંત્ર દોડતું થઇ ગયું હતું અને પાણીના નમૂના લઇ તેને તપાસ માટે મોકલી આપ્યાં છે.
પાનોલી નજીકથી પસાર થતી વનખાડીમાં પ્રદુષિત પાણી આવતું હોવાની ફરિયાદ સ્થાનિકોએ કરી હતી. આ ઉપરાંત પાનોલી નજીક રેલવેની કામગરી દરમિયાન ખોદકામ કરવામાં આવતાં તેમાંથી લાલ રંગનું પાણી નીકળ્યું છે. ઉમરવાડા ગામમાં તો સ્થાનિક રહીશોએ પાણીના નમુના લઇને તપાસ કરાવતાં પાણી પીવાલાયક નહિ હોવાનું જણાયું હતું.
ભુર્ગભ જળ તથા પીવાના પાણી પ્રદુષિત થતાં ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. વનખાડી તથા ભુર્ગભ જળને પ્રદુષિત થતાં રોકવા કોઇ કાર્યવાહી નહિ થાય તો આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ આપી હતી. સ્થાનિકોએ આ બાબતે સંલગ્ન અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિકોએ કાન આમળતાં જ જીપીસીબી તંત્ર સક્રિય બન્યું હતું.
પાનોલીની વનખાડી તેમજ વિવિધ વિસ્તારમાંથી દુષિત પાણીના નમૂના લઇને તેને તપાસ માટે મોકલી આપ્યાં હતાં. દૂષિત પાણી રોકવા માટે પાનોલી નોટિફાઇડ તથા આસપાસ આવેલાં ગ્રામપંચાયતોને તકેદારીના પગલાં ભરવા તાકીદ કરી છે.