Satya Tv News

હવામાન વિભાગે ચેતવણી આપી કે, વીજળીના ચમકારા સાથે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ, કરા અને વાવાઝોડાની સંભાવના
ચારધામ યાત્રા પર હવામાનનું સંકટ
કેદારનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન Close
હવામાન વિભાગે 2 જૂન સુધી ઓરેન્જ વેધર એલર્ટ જાહેર કર્યુ
કેદારનાથ યાત્રાના રજીસ્ટ્રેશન પર ફરીવાર પ્રતિબંધ મૂકાયો હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ઉત્તરાખંડ હવામાન વિભાગે 2 જૂન સુધી ઓરેન્જ વેધર એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, વીજળીના ચમકારા સાથે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ, કરા અને વાવાઝોડાની સંભાવના છે. દરેક વ્યક્તિ સતર્ક રહે. જેને લઈ હવે ઉત્તરાખંડ સરકારે પ્રતિકૂળ હવામાન અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારાને કારણે કેદારનાથ ધામ યાત્રા માટે ઓનલાઈન નવી નોંધણી પરનો પ્રતિબંધ 15 જૂન સુધી લંબાવ્યો છે. હવે યાત્રાળુઓ 16 જૂન પછી જ યાત્રા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.

ઉત્તરાખંડમાં વરસાદ અને કરા સાથે જૂન મહિનો શરૂ થઈ રહ્યો છે. 2 દિવસથી સતત વરસાદ અને કરા પડતાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વરસાદના કારણે જ્યાં પહાડી જિલ્લાઓમાં વાતાવરણમાં ઠંડકનો અહેસાસ જોવા મળી રહ્યો છે, ત્યારે માત્ર મેદાની જિલ્લાઓમાં જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીના મહિનામાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા રહ્યું છે અને પ્રવાસીઓ ઉત્તરાખંડનું આ હવામાન ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

ચારધામ યાત્રા પર આવતા યાત્રિકોની સાથે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉત્તરાખંડ પહોંચવા લાગ્યા છે. વરસાદના કારણે પ્રવાસીઓ અને યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવા છતાં મે-જૂન મહિનામાં ઠંડકનો આનંદ માણવા પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. કેદારનાથ ધામમાં સતત વરસાદને કારણે શ્રદ્ધાળુઓને ધામ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 1 જૂનના રોજ રાજ્યમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વીજળીના કડાકા, ભારે વરસાદ, કરા અને વાવાઝોડાની સંભાવના છે. જ્યારે 2 જૂનના રોજ વીજળીના ચમકારા, જોરદાર વરસાદ અને કરા અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મે મહિનામાં પડેલા વરસાદે ઉત્તરાખંડમાં એપ્રિલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે પહાડી વિસ્તારોમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે તે પ્રમાણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેમણે કહ્યું કે લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.

આ તરફ અવિરત વરસાદ અને યાત્રા રૂટ પર આવતા કાટમાળને કારણે યમુનોત્રી ધામ યાત્રા માટે નવા રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં લોકો એક યા બીજી રીતે ધામના દર્શન કરવા માંગતા જોવા મળે છે. યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર માટે અવરોધિત રહ્યો હતો જ્યારે કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે પર મોડી સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.

આ તરફ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચાર ધામ યાત્રા પર આવતા યાત્રિકોને અપીલ કરી છે કે તેઓ હવામાનની સંપૂર્ણ માહિતી મેળવીને જ પોતાની યાત્રા શરૂ કરે.

ચાર ધામ યાત્રા વચ્ચે-વચ્ચે પડી રહેલો વરસાદ અને હિમવર્ષા તેમના માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. ઉત્તરકાશીના એસપી અર્પણ યદુવંશીનું કહેવું છે કે, જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ગંગોત્રી અને યમુનોત્રી નેશનલ હાઈવે પર ધરસુ બેન્ડ, બંદર કોટ વગેરે સ્થળોએ ભૂસ્ખલન થયું છ. આ સાથે પહાડોમાંથી પથ્થરો અને કાટમાળ રસ્તા પર પડ્યા છે, જે મુસાફરો માટે મોટી સમસ્યા સર્જી શકે છે.

error: