નિરમા યુનિવર્સિટી પાસે તાજેતરમાં 5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા છારોડી તળાવનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પછી અહીં મ્યુનિ.એ બોટિંગ શરૂ કર્યું હતું. જો કે, આ તળાવના બ્યુટીફિકેશન પાછળ 5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા પરંતુ આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. જેનું કારણ એ છે કે, તળાવ બનાવ્યા પછી હવે અહીં એમ્યુઝમેન્ટ પાર્ક અને ગાર્ડન બનાવવાનો મ્યુનિ. દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નિર્ણયના અમલ માટે ગુરુવારે મ્યુનિ. એસ્ટેટ વિભાગે તળાવ સંકુલમાં આવેલા ઈન્દિરા આવાસના 26 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગાર્ડન બનાવવા માટે આવાસો તોડી પાડવામાં આવ્યા હોવાનું અધિકારીઓનું કહેવું છે.
જો કે, અહીં રહેતા લોકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી કે, નહીં તે અંગે મ્યુનિ. અધિકારીઓનું કહેવું છે કે, કલેક્ટર દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવી હતી. હવે અહીં પીપીપી મોડલથી એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. સૌથી મોટો સવાલ એ છે કે, તળાવમાં પાણી નર્મદાનું છોડવામાં આવે છે ત્યારે જ તળાવમાં પાણી દેખાય છે. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગાર્ડન બનાવ્યા પછી તળાવમાં પાણી રહેશે કે કેમ તે અન્ય તળાવોની જેમ સૌથી મોટો સવાલ છે.