- વાવાઝોડાના પવનમાં પાલિકાના નબળા લાઈટ પોલ વાહન ચાલકો- રાહદારીઓ માટે જોખમી
સુરતમાં બિપરજોય વાવાઝોડાની આંશિક અસર છે અને માત્ર પવન ફુંકાઈ રહ્યો છે તેવા પવનમાં પણ પાલિકાના નબળા લાઈટ પોલ વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બની રહ્યાં છે. રાંદેર ઝોનમાં કોઝવે નજીક પવનમાં લાઈટ પોલ તૂટી બાઈક સવાર પર પડ્યો, મહિલા ઘાયલ થઈ હતી. આ લાઈટ પોલ પડતાં પસાર થતા લોકોમાં ગભરાટનો માહોલ થઈ ગયો હતો.
સુરતમાં વાવાઝોડાની અસર હજી સુધી પવનથી જ થઈ છે તેમાં પણ 50 કિલોમીટરની આસપાસની ઝડપે સુરતમાં પવન ફૂંકાઈ રહ્યો છે. આ પવન સામે તકેદારીના ભાગ રૂપે પાલિકાએ જોખમી હોર્ડિગ્સ દુર કરી દીધા છે પરંતુ પાલિકાના કેટલાક નબળા લાઈટ પોલ પાલિકા માટે ચિંતાનો અને લોકો માટે જોખમરૂપ બની ગયાં છે. આવા જ પ્રકારનો નબળો લાઈટ પોલ કોઝવે નજીક ભારે પવનના કારણે તુટીને એક બાઈક સવાર પર પડ્યો હતો. આ બાઈક પર એક મહિલા અને પુરુષ હતા તેમાંથી મહિલાને લાઈટ પોલ પડતાં ઈજા થઈ હતી. આ બનાવ બનતાં લોકો ભેગા થઈ ગયા હતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ બાદ પાલિકા તંત્ર પણ દોડતું થયું છે અને વીજ પોલ ખસેડવાની કામગીરી કરવા સાથે સાથે અન્ય પોલની ચકાસણીની કામગીરી પણ હાથ ધરી છે.