અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે 72 વર્ષ બાદ નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે. બહેન સુભુદ્રાજી દવલદન રથ પર બિરાજમાન થયા છે. જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે.
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા
ભક્તો માટે આજે 5000 કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો
CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે ત્યારે સવારે 4:30 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ થઈ હતી. જે બાદ સવારે 4:44 વાગ્યે ભગવાન જગન્નાથને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને 05:30 વાગ્યે ભગવાન જગન્નાથ અને 5:35 વાગ્યે બહેન સુભદ્રાજી અને 5:50 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને ભગવાનના મોસાળ સરસપુરમાં આજે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને નગર ચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી સી.એમ.ડેશબોર્ડની વિડિયો વોલ પર સમગ્ર યાત્રાના માર્ગનું નિરીક્ષણ અને રથયાત્રાના શરુઆતના રૂટનું રિયલ ટાઈમ મોનીટરીંગ કરી વિસ્તૃત જાણકારી મેળવી હતી.
મહત્વનું છે કે થોડાક સમય પહેલા અમલીનો અકસ્માત થયો હતો . જેને લીધે તેઓ ચાલી શકતા નથી અને વ્હીલચેર પર બેસવા મજબૂર છે. અમલીબેન ચાલી ન શકતા હોવાથી વ્હીલચેરમાં બેસીને ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે. તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી જગન્નાથજીની રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ‘હું છેલ્લા કેટલાય વર્ષોથી જગન્નાથજીની રથયાત્રામાં આવું છું. આજે હું ચાલી ન શક્તિ હોવાથી અને આજે આખી રથયાત્રામાં રૂટમાં મારા દીકરાના સાથથી રથયાત્રામાં સહભાગી થઈશ.’ આટલું કહેતા અમલી બા ભાવુક થયા હતા.
જમાલપુરથી અખાડા અને ભજન મંડળીઓ જોડાઇ. વિવિધ કલરો સાથે પ્રભુ ભક્તુના ચિંત્રો શરીર પર કંડાર્યા. અખા઼ડાં કરતબબાજોએ કરતબો શરુ કર્યા. તદુપરાંત અખાડાના પહેલવાનોએ કુશ્તી કરતબો પણ શરૂ કર્યા.
ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાના પાવન દિને CM ભૂપેન્દ્ર પટેલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, ‘પરંપરા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથાયાત્રાની શરૂઆત કરાવી. દર વર્ષ કરતા આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ભક્તોને તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.’
મંદિરથી રથો અને ટ્રકો રવાના થયા. રથયાત્રાને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ ટેબ્લોના ટ્રકો રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રામાં ભક્તોને મગ અને જાંબુની પ્રસાદીનું વિતરણ કરાઇ રહ્યું છે. પોલીસના ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રથયાત્રા પસાર થઇ રહી છે.
તમને જણાવી દઇએ કે, આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી રહી છે, ત્યારે સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ શરૂ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, આજે રથયાત્રાનો પાવન પર્વ છે. ત્યારે આ નિમિત્તે ભગવાનને આજે ખીચડીનો પ્રસાદ ધરાવાય છે. જેની માટે આજે 5000 કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો છે. જેમાં 2000 કિલો ચોખા, 1000 કિલો દાળ, 6000 કિલો ઘી, 8000 કિલો ડ્રાયફ્રૂટ નાખવામાં આવ્યા છે. આ સાથે ભગવાનને આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ થઈ હોવાથી ખીચડી સાથે કોળા ગવારનું શાક તૈયાર કરાય છે. તદુપરાંત 2000 કિલો કોળા ગવારનું શાક પણ તૈયાર કરાયું છે. આજે એક લાખ ભક્તો આ ખીચડીનો મહા પ્રસાદ લેશે.