ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBIએ મોટી કાર્યવાહી કરી છે. ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સાથે છેડછાડ કરવાની શંકા સાથે જ હાલ સિગ્નલના જુનિયર એન્જિનિયર ના ઘરને સીલ કરી દીધું છે
ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBIએ મોટી કરી કાર્યવાહી
સિગ્નલના જુનિયર એન્જિનિયરના ઘરને કરી દીધું સીલ
ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સાથે છેડછાડ કરવાની શંકા
ઓડિશાના બાલાસોર રેલવે ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી CBIએ મોટી કાર્યવાહી કરી છે. જણાવી દઈએ કે સીબીઆઈએ સોરો સેક્શન સિગ્નલના જુનિયર એન્જિનિયર ના ઘરને સીલ કરી દીધું છે, જ્યાં તે ભાડેથી તેના પરિવાર સાથે રહેતો હતો. હાલ બહાનાગા રેલ્વે સ્ટેશન બાલાસોર પર અકસ્માત બાદ સીબીઆઈ દ્વારા સિગ્નલ જેઈની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારથી તે તેના પરિવાર સાથે ગુમ છે.
એ વાત તો નોંધનીય છે કે બાલાસોર અકસ્માતમાં અત્યાર સુધીમાં 292 લોકોના મોત થયા છે. 2 જૂને થયેલા અકસ્માત બાદ રેલવે દ્વારા CBI તપાસની ભલામણ કરવામાં આવી હતી. સીબીઆઈ પૂછપરછ દરમિયાન સિગ્નલ જેઈની અજ્ઞાત સ્થળે પૂછતાછ કરી હતી. જે બાદથી જ સિગ્નલના જુનિયર એન્જિનિયર અને તેના પરિવાર સાથે ગુમ છે.
સીબીઆઈની ટીમ 16 જૂને બાલાસોરથી નીકળી ગઈ હતી. પરંતુ સોમવારે અચાનક પરત આવી અને સિગ્નલ જેઈના ઘરને સીલ કરી દીધું. અકસ્માત બાદ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડની આશંકા હતી. આ પછી તપાસ એજન્સી આ કેસમાં સામેલ થઈ ગઈ હતી.
સરકાર તરફથી સૂચના મળ્યા બાદ એજન્સીએ 6 જૂનથી મામલાની તપાસ હાથ ધરી હતી. તેમની તપાસ શરૂ કરતી વખતે, એજન્સીના અધિકારીઓએ અજ્ઞાત સ્થળે સિગ્નલ જેઈ આમિર ખાન સહિત ઘણા રેલવે કર્મચારીઓની પૂછપરછ કરી. પૂછપરછ બાદ તમામને છોડી મુકવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ CBIની ટીમ સોમવારે ફરી આમિર ખાનની પૂછપરછ કરવા માટે તેના ભાડાના મકાન પર પહોંચી હતી પણ ઘરમાં તાળું લાગેલ જોવા મળ્યું હતું. આસપાસ પૂછવા પરથી ખબર પડી કે તે તેના પરિવાર સાથે છેલ્લા ઘણા દિવસોથી ગુમ છે. એ બાદ તેના ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે.
એજન્સીના અધિકારીઓએ તપાસ શરૂ કરતાં જ સૌપ્રથમ બહાનાગા રેલવે સ્ટેશનની લોગબુક, ટેકનિકલ સાધનો અને રિલે પેનલ જપ્ત કરી લીધી હતી. આ સાથે બહાનગા રેલ્વે સ્ટેશન અને તેમાં લગાવવામાં આવેલ ઈન્ટરલોકીંગ સિસ્ટમ પેનલને પણ સીલ કરી દેવામાં આવી છે, જેથી કોઈ તેની સિગ્નલ સિસ્ટમ સુધી પહોંચી ન શકે. આ સાથે બહાનગા સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ પર પણ આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સીબીઆઈ દ્વારા જેઈના ઘરને સીલ કરવામાં આવતા ઈન્ટરલોકીંગ સિસ્ટમમાં ચેડાં થવાની શક્યતાઓ સાચી સાબિત થઈ રહી છે.