નવી દિલ્હી : ૧૯૮૮ના છત્તીસગઢ કેડરના આઈપીએસ રવિ સિન્હા ઈન્ડિયન ઈન્ટેલિજન્સ રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા વડા બન્યા છે. રૉના વડા તરીકે તેમને બે વર્ષનો કાર્યકાળ મળશે. વર્તમાન વડા સામંત ગોયલ ૩૦મી જૂને નિવૃત્ત થશે. આઈપીએસ રવિ સિન્હાને રૉના નવા વડા બનાવાયા છે. વર્તમાન રૉ ચીફ સામંત ગોયલનો કાર્યકાળ ૩૦મી જૂને પૂરો થશે. સામંત ગોયલ નિવૃત્તિ થશે એ સાથે જ રવિ સિન્હા રૉના વડાનો ચાર્જ સંભાળશે. રવિ સિન્હા સચિવાલયમાં સ્પેશિયલ કેબિનેટ સેક્રેટરીના પદે કાર્યરત છે અને તે ઉપરાંત રૉના ઓપરેશનલ વિભાગના વડા છે. રવિ સિન્હા મોડર્ન ટેકનોલોજીના જાણકાર અને નિષ્ણાત છે. અત્યારે રૉમાં જે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને માહિતી મેળવવામાં જે આધુનિક ટેકનોલોજી વપરાય છે, તે ટેકનોલોજી એજન્સીએ અપનાવી એમાં રવિ સિન્હાની મહત્ત્વની ભૂમિકા ગણાય છે. છત્તીસગઢ કેડરના આ આઈપીએસ અધિકારી જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર અને લદાખની બાબતોનો સારો એવો અભ્યાસ છે. પાડોશી દેશો સાથેના ભારતના સંબંધોનો તેમનો ખાસ અભ્યાસ છે. વર્તમાન રૉ ચીફ સામંત ગોયલ પંજાબ કેડરના આઈપીએસ અધિકારી છે અને તેમના કાર્યકાળમાં બહુ જ મહત્ત્વની માહિતી રૉએ મેળવી છે. ખાસ તો કાશ્મીરમાંથી ૩૭૦ હટાવ્યા પછી પાકિસ્તાનના કેટલાય ષડયંત્રોનો પર્દાફાશ રોએ કર્યો છે, એ કામ તેમના કાર્યકાળમાં થયું હતું.