હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ તારીખથી ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી
ગુજરાતમાં ચોમાસાને લઈ સારા સમાચાર, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ થશે સક્રિય
તારીખ 25 જૂનથી ગુજરાતના વધુ વિસ્તારોને ચોમાસુ આવકારી લેશે
ગુજરાતમાં ચોમાસાને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. આ સાથે આગાહી કરી છે કે, 25 જૂનથી ગુજરાતના વધુ વિસ્તારોને ચોમાસુ આવરી લેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 27 જૂનથી 2 જૂલાઈ સુધી ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે કહ્યું કે, ઉદયપુર તેમજ રાજસ્થાનમાં વરસાદ તથા સાબરકાંઠામાં વરસાદ થતા સાબરમતી નદીમાં નવા નીર આવશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદના કારણે મધ્યપ્રદેશમાં પૂર આવી શકે છે.
અંબાલાલ પટેલની ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રીને લઈ મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. નર્મદા નદીના વિસ્તારમાં વરસાદના કારણે નર્મદા બે કાંઠે થઈ શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતમા તાપી નદીમાં જળસ્તર વધી શકે તેવી આગાહી પણ અંબાલાલે વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતની સાથે-સાથે મહારાષ્ટ્રમાં વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, મુંબઈ-મહારાષ્ટ્રના ભાગોમાં વિદર્ભ મરાઠાવાડ વગેરે ભાગોમાં વરસાદ થઈ શકે છે. આ સાથે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે. વરસાદથી પાણીની સમસ્યા મહદઅંશે હલ થઈ શકે છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાત 111 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ગોધરામાં 4 ઈંચ, માતરમાં 4 ઈંચ, લોધિકામાં 3.5 ઈંચ, આણંદમાં પોણા 3.5, દેસરમાં 3 ઈંચ, પેટલાદ અને ઉમરેઠમાં 2.5 ઈંચ ખાબક્યો છે. જ્યારે હાલોલ અને નડિયાદમાં સવા 2 ઈંચ, જેસર, કાલોલમાં પણ સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ સોજીત્રામાં 2 ઈંચ, ઉમરગામ અને ઠાસરમાં 2-2 ઈંચ, સાવલીમાં પોણા 2 ઈંચ, મહેમદાવાદમાં પોણા 2 ઈંચ, તારાપુરમાં પોણા 2 ઈંચ, મહુવામાં અને ઘોઘંબામાં પણ પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડામાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત મહીસાગર, પંચમહાલ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે.