સલામતીનાં ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી/કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાભરૂચ: જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસ ટી સહીત અન્ય સાધનોનાં છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા અકસ્માતોને પગલે ટીમ ભરૂચ નાં સંલગ્ન અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી.
નર્મદા મૈયા બ્રિજ પર બનેલ અકસ્માતનાં કારણો જાણવા સંબંધિત વિભાગનાં અધિકારી સાથે વિચાર વિમર્શ કર્યા હતાં. તથા અકસ્માતનાં બનાવ ન બને તે માટે નિવારાત્મક પગલાં લેવા પર સુચના આપી હતી. આ ઉપરાંત સલામતીનાં ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી./કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે સ્પીડ લીમીટ દર્શાવાતા સાઈન બોર્ડ પણ લગાવવાની સૂચના આપી હતી. આ ઉપરાંત સરફેસ રફ કરવા અંગે પણ સંબંધિત અમલીકરણ અધિકારીને સ્થળ પર જ સૂચના આપી હતી.
આ વેળાએ પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ, ભરૂચ પ્રાંત અધિકારી યુ. એન. જાડેજા સહિત જી એસ આર ટી સી વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ વગેરે વિભાગનાં અમલીકરણ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.