ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતેથી અમરનાથ યાત્રાએ જતા યાત્રીઓને વિદાયમાન આપવામાં આવ્યું. ઉંડીના દલુભાઇ વસાવા દ્વારા લીલી ઝંડી આપીને યાત્રીઓને વિદાય આપવામાં આવી. ઉપરાંત રાજપારડી ગ્રામ પંચાયતના સદસ્ય નિલેશભાઇ સોલંકી દ્વારા રાજપારડી ઉપરાંત અન્ય ગામોના અમરનાથ યાત્રીઓને પુષ્પ આપી શુભેચ્છા આપવામાં આવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ભરૂચ નર્મદા જિલ્લાના સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ટ્રાયબલકીંગ ગ્રૂપ તથા જય ભોલે ગ્રુપ ના સંયુક્ત સહયોગથી ૨૦૨૩ ની બાબા અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરનાથ યાત્રાએ જતા ભરુચ જિલ્લાના ઝઘડિયા વાલિયા તેમજ નેત્રંગ તાલુકાના યાત્રીઓ રાજપારડી થી બસ દ્વારા કેવડીયા(એકતાનગર)જશે. ત્યાંથી ટ્રેનમાં અમદાવાદ જઇને ત્યાંથી ટ્રેન દ્વારા જમ્મુ જશે, અને ત્યાંથી એમનો અમરનાથ યાત્રાનો પ્રવાસ શરૂ થશે. વધુમાં મળતી વિગતો મુજબ ચાલુ સાલે ભરૂચ અને નર્મદા જિલ્લાના ઝગડિયા, વાલિયા, નેત્રંગ ,રાજપીપળા, ડેડીયાપાડા ,સાગબારા ,તિલકવાડા જેવા તાલુકાઓના કુલ ૫૦૦ થી વધુ યાત્રાળુઓ અમરનાથની યાત્રાએ જઇ રહયા છે. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ અમરનાથ યાત્રાળુઓને સફળ પ્રવાસની શુભેચ્છા પાઠવી તેઓ કોઇપણ જાતના વિઘ્ન વિના ઘેર પાછા ફરે તેવા આશિર્વાદ આપ્યા હતા.