પંજાબ સહિત 4 રાજ્યોના ભાજપ પ્રદેશ અધ્યક્ષો બદલાયા બાદ હવે સી.આર પાટીલને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સી.આર પાટીલને મોદી સરકારમાં એન્ટ્રી મળી શકે છે.
6 રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલશે ભાજપ!
આગામી એક-બે દિવસમાં લેવાઈ શકે છે નિર્ણય
સૌથી વધારે ચર્ચામાં સી.આર પાટીલનું નામ
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. મંગળવારે ભાજપે પંજાબ, તેલંગાણા અને ઝારખંડ સહિત ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને બદલ્યા છે. લોકસભાની ચૂંટણીના થોડા મહિના અગાઉ સંગઠનમાં આ ફેરફાર ભાજપની રાજ્યવાર રણનીતિનો સંકેત છે. આ વચ્ચે હવે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી વધુ 6 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલવા જઈ રહી છે.
પાર્ટી જે રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલવા જઈ રહી છે તેમાં મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક અને કેરળનો સમાવેશ થાય છે. સૂત્રોનું કહેવું છે કે, પદ મુક્ત કરાયેલા ઘણા અધ્યક્ષોને મોદી સરકારમાં એન્ટ્રી મળી શકે છે.
સૌથી વધારે ચર્ચા ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલની છે, જેઓ લોકસભાના સાંસદ પણ છે. તેથી ટેકનિકલી તેમને મોદી સરકારમાં એન્ટ્રી આપવી સરળ બનશે. સી.આર પાટીલ 2014માં નવસારી બેઠક પરથી જત્યા હતા. ત્યારબાદ 2019માં તેમણે કોંગ્રેસના ઉમેદવારને 6 લાખ મતોના રેકોર્ડ માર્જિનથી હરાવ્યા હતા.
એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તેમને મંત્રીના બદલે સંગઠનમાં જ મહત્વનો હોદ્દો આપવામાં આવી શકે છે. તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ નેતા માનવામાં આવે છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકેનો તેમનો કાર્યકાળ જુલાઈમાં પૂરો થઈ રહ્યો છે.
સી.આર પાટીલ પાસે સંગઠનમાં કામ કરવાનો સારો અનુભવ છે અને ગુજરાતમાં તેમનું પ્રદર્શન શાનદાર હતું. આવી સ્થિતિમાં પાર્ટી નેતૃત્વ સમગ્ર દેશમાં તેમના અનુભવનો લાભ લેવા માંગે છે. પાટીલ ઉપરાંત મધ્ય પ્રદેશના અધ્યક્ષ વી.ડી શર્મા પણ કેન્દ્રીય મંત્રી બની શકે છે. તેઓ રાજ્યની ખજુરાહો લોકસભા બેઠક પરથી સાંસદ છે. વી.ડી શર્માને મધ્ય પ્રદેશથી દિલ્હી લાવવાનો નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે. પરંતુ ઉત્તરાધિકારી અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. આથી પ્રદેશ પ્રમુખ બદલવાની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. વીડી શર્માની જગ્યાએ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ પટેલ, કૈલાશ વિજયવર્ગીય અને સાસંદ સુમેરસિંહ સોલંકીના નામની પણ ચર્ચા ચાલી રહી છે.
આપને જણાવી દઈએ કે, સંગઠનમાં ફેરબદલની સાથે-સાથે મોદી કેબિનેટમાં ફેરફારની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે. કિશન રેડ્ડી કે જેઓ અત્યાર સુધી પર્યટન મંત્રી છે, તેમને તેલંગાણાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે જો તેઓ પદ છોડે છે તો ચોક્કસપણે કોઈ અન્ય નેતા કેન્દ્રીય મંત્રી તરીકે આવશે. આ સિવાય અન્ય કેટલાક નેતાઓને મંત્રી બનાવવામાં આવી શકે છે, જ્યારે કેટલાક મંત્રીઓની સંગઠનમાં વાપસી થઈ શકે છે.