સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં 108ની સેવાએ માનવતા મહેકાવી છે. વડાલી-વાઘપુર ગામની સીમમાં 108ની ટીમે મનોદિવ્યાંગ મહિલાને પ્રસુતિ બાદ 3 કિલોમીટર પગપાળા ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી અને ત્યાંથી હોસ્પિટલમાં પહોચાડીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માનવતાં મહેકી, 108ની સેવાને સલામ
3 કિમી ચાલી મહિલાને દવાખાને પહોંચાડી
જંગલમાં પ્રસુતિ બાદ 108ની ઉત્તમ કામગીરી
ગુજરાત સહિત સમગ્ર દેશમાં 108ની સેવા અનોખી પુરવાર થઈ રહી છે. ત્યારે સાબરકાંઠાના વડાલીના વાઘપુરની સીમમાં માનસિક રીતે અસ્થિર મહિલાએ નવજાત દીકરીને જન્મ આપ્યા બાદ બેથી ત્રણ કિલોમીટર સુધી પગપાળા ચાલી માતા સહિત દીકરીનો જીવ બચાવનાર 108ની સમગ્ર ટીમને સાબરકાંઠા જિલ્લા વહીવટી પ્રશાસન સહિત સ્થાનિકો દ્વારા વિશેષ આવકારાઈ રહી છે.
સાબરકાંઠાના વડાલીના વાઘપુરની સીમમાં માનસિક રીતે અસ્થિર મહિલાએ નવજાત દીકરીને જન્મ આપ્યા બાદ 12 કલાકથી વધુ સમય થયાના પગલે નવજાત દીકરીને નાના મોટા જીવજંતુ સહિત કીડી મકોડાએ બચકા ભરી રહ્યા હતા. ત્યારે પશુપાલકો પશુ ચરાવવા માટે જંગલમાં ગયા હતા ત્યાં બાળકીના રડવાનો અવાજ આવતા ત્યાં જઈને જોયું તો મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. જે બાદ તેઓએ તાત્કાલિક ગામ આગેવાનોને ફોન કરી જાણ કરી હતી અને સ્થાનિક યુવકે 108 ઈમરજન્સીને જાણ કરાતા વડાલીની 108ની ટીમ ઈમરજન્સી કોલના પગલે વાઘપુરની સીમ પહોંચી હતી.
એક તરફ વાઘપુર ગામની સીમ સહિત જંગલ અને ડુંગરાર પ્રદેશ તો બીજી તરફ ખૂબ ઓછા લોકોની આવન જાવન હોવા છતાં સ્થાનિક નર્સિંગ સ્ટાફને સાથે રાખી સમગ્ર યુનિટ માનસિક રીતે અસ્થિર મહિલા સુધી પહોંચ્યું હતું. તેમજ ઘટના સ્થળે પહોંચ્યા બાદ નવજાત દીકરી સહિત તેની માતાને મેડિકલ સારવારની વિશેષ જરૂરિયાત હોવાના પગલે સ્ટ્રેચરમાં ત્રણ કિલોમીટર ચાલીને બહાર એમ્બ્યુલન્સ સુધી લાવ્યા હતા. તેમજ તાત્કાલિક ધોરણે ચોરીવાડ સહિત ખેડબ્રહ્મા વિશેષ સારવાર અર્થે ખસેડી હતી. જેના પગલે નવજાત દીકરી સહિત માતાને જાનના જોખમમાંથી બચાવી હતી. 108 ઈમરજન્સી સેવા દ્વારા કરાયેલ આ પ્રયાસના પગલે સમગ્ર વિસ્તારના લોકો સહિત પ્રશાસન તંત્ર દ્વારા પણ માનવતાના આ પગલાંને આવકારવામાં આવી રહ્યા છે.
વડાલીની વાઘપુરની સીમમાં માનસિક રીતે અસ્થિર મહિલાએ નવજાત દીકરીને જન્મે આપ્યા બાદ તેની સ્થિતિ નાજુક હોવાના પગલે તંત્ર દ્વારા વિશેષ સારવાર ઉપલબ્ધ કરાવી છે. બાળકીને ICUમાં રાખવામાં આવી છે અને મહિલાને ગાયનેક વિભાગમાં સારવાર અપાઈ રહી છે. ત્યારે વાઘપુરના ગ્રામજનોએ આ મામલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, માનસિક રીતે અસ્થિર મહિલા પર અજાણ્યા ઈસમો દ્વારા દુષ્કર્મ ગુજાર્યું હોવાના પગલે તેને નવજાત દીકરીને જન્મ આપ્યો છે. જોકે, એક તરફ માનસિક અસ્તિતાના પગલે આ મહિલા જંગલ વિસ્તારમાં ભટકી રહી છે. ત્યારે સ્થાનિકો દ્વારા નવજાત દીકરીનું જીવન ન જોખમાય તે માટે અત્યારથી જ સંસ્થા સહિત જરૂરિયાત મંદ પરિવારોને નવજાત બાળકી દત્તક આપવા માટે વિનવી રહ્યા છે. સાથો સાથ માનસિક રીતે અસ્થિર મહિલા ઉપર દુષ્કર્મ કરનારાઓ સામે પણ તંત્ર દ્વારા ઠોસ પગલાં લેવાય તેવી માંગ કરી રહ્યા છે.