વડોદરા શહેરના ફતેગંજની રહીમ મંઝિલમાં ફેબ્રીકેશનના વેપારી વહેલી સવારે પરિવારના સભ્યો સુતા હોય મકાનને લોક કરી નમાજ પઢવા જતા અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી માત્ર 25 મિનિટમાં તિજોરીમાંથી રૂપિયા 1.11 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા ચોરી કરાર થઈ જવા પામ્યા છે.
ફતેગંજ વિસ્તારમાં આવેલ રહીમ મંઝિલમાં રહેતા રહીમઉદ્દીમ શેખ ફેબ્રિકેશનનો વેપાર કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણ મેના રોજ વહેલી સવારે 4:40 કલાકે નમાજ પઢવા જવાનું હોવાથી મકાનનો દરવાજો બંધ કરી નીકળ્યો હતો. જ્યાંથી 5:05 કલાકે પરત ફરતા મકાનનો દરવાજો ખુલ્લો જણાય આવ્યો હતો. અને મારા મકાન પાસે ઊભા રહેલ બે યુવાકોએ જણાવ્યું હતું કે, હાલ તમારા ઘરમાંથી ત્રણ શખ્સો નીકળી નાસી છૂટ્યા છે. તપાસ કરતા મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલ જણાય આવ્યો હતો. ઘરમાં ફરિયાદીના માતા-પિતા, પત્ની તથા બાળકો સુતા હતા. અને તિજોરીના ડ્રોવરમાંથી રૂપિયા 1.11 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાંની ચોરી થયાનું બહાર આવ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.