Satya Tv News

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં કે જ્યાં વરસાદી પાણીનું ભરાવાની સમસ્યા સૌથી વધુ રહે છે, ત્યાં વરસાદી ચેનલની કામગીરી શરૂ કર્યા બાદ અધૂરી છોડી દેવામાં આવી છે. જેના લીધે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. સુભાષચોક, કિશનવાડી, ગધેડા માર્કેટ નજીક વરસાદી ચેનલની કામગીરી અધૂરી છોડી દેવાતા ત્યાં ખાડામાં હવે કચરાનો ઉકરડો થઈ ગયો છે. કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી ચોમાસુ શરૂ થયું તે પહેલાથી પૂરી કરી દેવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે તંત્રને વરસાદી ચેનલની આ અધૂરી રહેલી કામગીરી કેમ ધ્યાનમાં ન આવી અને કાર્ય બાકી રહેલું તે શા માટે પૂર્ણ કરાવ્યું તે પણ સવાલ છે અધુરી વરસાદી ચેનલના કારણે પાણી પણ ભરાયેલું રહે છે, જેના કારણે ગંદકી અને મચ્છરોનો ત્રાસ ફેલાઈ જશે. સ્વચ્છતા અને સફાઈના દાવા વચ્ચે અધૂરી કામગીરીને લીધે ગંદકીનું સામ્રાજ્ય આ વિસ્તારમાં હાલ છવાયેલું જોવા મળી રહ્યું છે.

આ અંગે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષને પૂછતા તેમણે કહ્યું હતું કે આ મુદ્દે તપાસ કરાવી લઈશું, જે કંઈ હશે તે અંગે યોગ્ય નિર્ણય થશે. જોકે આ માત્ર એક કિસ્સો નથી. શહેરના ઇલેક્શન વોર્ડ નંબર ૧૩ માં ચોમાસા દરમિયાન રાજસ્તંભ સોસાયટી, રાજરત્ન સોસાયટી, કાશી વિશ્વનાથ સોસાયટીમાં પહેલા જ વરસાદમાં ઘરમાં વરસાદી પાણી ઘસી આવે છે, આ વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા શહેરની મધ્યમાં હોવા છતાં પણ ન હોવાથી ગયા વર્ષે વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી મંજૂર કરાવી હતી. જોકે ઈજારદાર દ્વારા આ કામગીરી કરવા માટે ગંભીર બેદરકારી રાખવામાં આવી રહેલ છે. સ્થળ પર હલકી કક્ષાની કામગીરીની ફરિયાદો આવે છે, ચોમાસુ ચાલુ હોવા છતાં જે વર્ક ઓર્ડરની સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની હોય તે કામગીરી પૂર્ણ કરેલ નથી, આ અંગે વિજિલન્સ તપાસની માગણી વિસ્તારના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે.

error: