ગુજરાતમાં એક પછી એક હાર્ટ એટેકના કેસો વચ્ચે અરવલ્લી જિલ્લામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લામાં ક્રિકેટ રમતા હતા ત્યારે એક 20 વર્ષીય યુવકને હ્રદયમાં અચાનક દુખાવો ઉપડ્યો અને મેદાનમાં જ બેહોશ થઈ ગયો. ત્યાં હાજર સાથીઓએ પરિવારના સભ્યોને જાણ કરી અને તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ હોસ્પિટલના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. તબીબોના જણાવ્યા અનુસાર યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હતું.
ગુજરાતમાં યુવાનોના અચાનક હાર્ટ એટેકના કેસો સામે આવ્યા બાદ હવે યુવા કિશોરો પણ મૃત્યુ પામી રહ્યા છે. નવસારીમાં ધોરણ 12ના વિદ્યાર્થીના મોત બાદ રાજકોટના ગોંડલમાં એક શાળાની વિદ્યાર્થીનીનું ગુરુપૂર્ણિમાના દિવસે મોત થયું હતું. અગાઉ રાજ્યના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ.ગૌરવ ગાંધીનું અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું હતું.ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લગ્નમાં ડાન્સ કરતી વખતે, ક્રિકેટ રમતી વખતે, કાર ચલાવતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે ઘટનાસ્થળે જ મૃત્યુના કિસ્સાઓ નોંધાયા છે.