Satya Tv News

આણંદ ખાતે રહેતા અંકિતાબેન ધર્મેન્દ્રભાઈ પિત્રોડા આજથી બે વર્ષ પહેલા સુરેન્દ્રનગર ખાતે લગ્નમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ અમદાવાદ બગોદરા હાઈવે પર આવેલી અંબર હોટલ ખાતે ચા-નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. જ્યાં તેમના નાના દીકરાથી રોકડ રકમ, સોનાના દાગીના ભરેલું પાકિટ રમતાં-રમતાં પડી ગયું હતું. જેની અંકિતાબેનને જાણ પણ નહોંતી. હોટલ પર ચા-નાસ્તો કર્યા બાદ તેઓ સુરેન્દ્રનગર જતા રહ્યા હતા. જે બાદ આ પાકિટ અંબર હોટલના માલિક મહેંદીભાઈને મળી આવ્યું હતું. તેમણે જોયું તો પાકિટમાં અંદાજે 7-8 લાખ રૂપિયાના સોનાના દાગીના હતા અને એક અંકિતા લખેલો કાગળ હતો.

જે બાદ તેમણે હોટલમાં હાજર ગ્રાહકોની પૂછપરછ કરી પરંતુ તેમને પાકિટના માલિક મળ્યા નહીં. જે બાદ તેમણે આ પાકિટ ઘરે સાચવીને મુકી દીધું અને તેમણે કાગળમાં લખેલા અંકિતા નામના આધારે માલિકને શોધવાનું શરૂ કર્યું. આ માટે તેમણે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો. આખરે 2 વર્ષ બાદ તેઓને પાકિટના મૂળ માલિક સુધી પહોંચવામાં સફળતા મળી.

તેઓએ ઈન્સ્ટાગ્રામ દ્વારા અંકિતાબેન નામની મહિલા સાથે સંપર્ક કર્યો અને અંકિતાબેન પિત્રોડાને તેમનું પાકિટ સહી સલામત પહોંચાડીને ઈમાનદારીની મિશાલ પૂરી પાડી.

error: