નમસ્તે હું પાકિસ્તાનની સીમા છું અને તમે… હું દિલ્હી નજીક નોઈડાનો સચિન છું…PUBGથી પરવાન ચડેલો પ્રેમ બે દિલને એટલા નજીક લાવ્યા કે બે દેશોની સરહદો પણ તેમને મળવાથી રોકી શકી નહીં. પાકિસ્તાનના સિંધમાં રહેતી સીમા હૈદરે પોતાનો પ્રેમ મેળવવા માટે માત્ર તેના પરિવાર સામે જ બળવો જ નહીં પરંતુ બંને દેશોની સુરક્ષા એજન્સીઓને પણ ચકમો આપી દીધો. જોકે, 68 દિવસની આ લવસ્ટોરી પર હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા પહેરો લગાવવામાં આવ્યો છે અને સીમા હૈદરને પાકિસ્તાન મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે.
સીમા હૈદર 15 દિવસના ટૂરિસ્ટ વિઝા પર તેના ચાર બાળકો સાથે 10 મેના રોજ કરાચી એરપોર્ટથી દુબઈ પહોંચી હતી. દુબઈમાં એક દિવસ વિતાવ્યા બાદ 11 મેના રોજ તે દુબઈ એરપોર્ટથી નેપાળના કાઠમંડુ એરપોર્ટ જવા રવાના થઈ હતી. અહીંથી પબ્લિક ટ્રાન્સપોર્ટ વાન દ્વારા પોખરા ગયા હતા. સીમા અહીં એક રાત રોકાઈ અને બીજા દિવસે નેપાળથી બસ લઈને સ્પંદેહી-ખુનવા બોર્ડર થઈને ભારતમાં પ્રવેશી.
પોતાના પ્રેમ ખાતર સીમા જે રીતે બે દેશોની સરહદ પાર કરીને ભારત પહોંચી, તેણે મીડિયામાં ઘણી હેડલાઈન્સ બનાવી. કેટલાક લોકોએ તેને રિયલ લવ સ્ટોરીનું નામ આપ્યું તો કેટલાક તેને શંકાની નજરે જોવા લાગ્યા. સોશિયલ મીડિયાથી લઈને પ્રાઈમ ટાઈમ સુધી સીમા અને સચિનના પ્રેમની જે રીતે ચર્ચા થઈ, તેનાથી સુરક્ષા એજન્સીઓના પણ કાન ઉભા થઈ ગયા.
સીમાએ જે રીતે સચિનના પ્રેમમાં પાકિસ્તાનથી ભારત આવવાની તૈયારી કરી છે તે હનીટેપ જેવો મામલો લાગે છે. સીમાએ દાવો કર્યો છે કે તે 5મું પાસ છે પરંતુ તે જે રીતે અંગ્રેજી બોલે છે, તે સંપૂર્ણપણે ટ્રેન્ડ કેસ જેવું લાગે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સીમાના બાળકોને પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં તપાસ એજન્સીઓ આ સમગ્ર મામલાને હનીટ્રેપ સાથે જોડીને તપાસ કરી રહી છે.