ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી પડવાણીયા વચ્ચેનો માર્ગ બિસ્માર હોઇ આ પંથકના ગ્રામજનોએ હાલાકિ ભોગવવી પડે છે. આને લઇને આ પંથકના કેટલાક જાગૃત નાગરીકોએ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાને લેખિતમાં રજુઆત કરી હતી. મળતી વિગતો મુજબ ધારોલીથી પડવાણીયા સુધીનો રોડ મંજુર થયો હોવાનું પણ રજુઆતમાં જણાવાયું હતું. આ રોડ રાજપારડીથી ધારોલીને જોડતો રોડ છે.આ રસ્તાનો ઉપયોગ ૧૫ થી ૨૦ જેટલા ગામોના લોકો કરે છે.આ રોડ ૧૫ વર્ષ પહેલા બનેલ હતો અને તેના પરથી ભારે વાહનોની અવરજવરને લઇને રોડ બિસ્માર બની ગયો છે.ખરાબ રસ્તાને કારણે નાનામોટા અકસ્માત થાય છે. વધુમાં જણાવાયા મુજબ આ રોડની પહોળાઇ હાલ ૩.૭૫ મીટર જેટલી છે તેથી સાંકડા અને ખરાબ રસ્તાને કારણે કોઇવાર જીવલેણ અકસ્માત થવાની દહેશત રહેલી છે. ખરાબ રસ્તાને કારણે શાળા તેમજ કોલેજ જતા વિધ્યાર્થીઓ પણ સમયસર પહોંચી શકતા નથી. તેમજ ખરાબ રસ્તાને લઇને એમ્બ્યુલન્સને પણ આવવા જવામાં અગવડ પડે છે.તેમ જણાવી ગ્રામજનોએ સાંસદને રજુઆત કરીને આ બાબતે મદદરૂપ થવા માંગ કરી હતી.