Satya Tv News

રાજ્યના 162 તાલુકાઓમાં ભારેથી અતિભારેથી લઇને સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ દ્વારકામાં 9 ઈંચ જ્યારે પોરબંદરમાં સવા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત આજે જૂનાગઢના કેશોદમાં 6 ઈંચ વરસાદથી ચારે કોર પાણી જ પાણી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભાવનગરમાં પણ ચાર ઈંચ વરસાદ ખાબકતા એક યુવક તણાયો હતો. એસડીઆરએફની ટીમે યુવાની શોધખોળ કરી રહી છે. ડાંગ જિલ્લામાં પણ વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ છવાયો હતો. ડાંગના વઘઈ, આહવા, સાપુતારા, સુબીર સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા આહ્લાદક વાતાવરણ સર્જાયું હતું. વરસાદ વરસતા ખેડૂતો પણ ખેતીના કામમાં જોતરાયા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના કેટલાક વિસ્તારોમાં 21 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 6 ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે.દ્વારકાના તમામ માર્ગો પ્રભાવિત થયા હતા અને શહેરના ઇસ્કોન ગેટ, રબારી ગેટ, ઓખા જામનગર રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી દુકાનોમાં ઘૂસ્યા હતા. ભારે વરસાદના પગલે યાત્રાળુઓ અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.પોરબંદરના માધવપુર ઘેડમાં છેલ્લા 2 દિવસમાં 18 થી 20 ઇંચ જેટલો વરસાદ થતા માધવપુરમાં પૂર જેવી પરિસ્થિત સર્જાઇ છે. ઉપરાંતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે માધવપુરમાં પાણીની છેલ આવતા વરસાદી પાણી લોકોના ઘર અને દુકાનમાં ઘૂસી ગયા છે. માધવપુરને જોડતા તમામ રસ્તાઓ બંધ થતા માધવપુર વિખુટું પડી ગયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફની એક ટીમ બચાવ અને રાહત કામગીરી માટે પહોંચી હતી. બીજી તરફ પોરબંદર જિલ્લામાં સાર્વત્રીક વરસાદને લીધે કુલ 397 લોકોનું સ્થળાંતર કરાયું છે.

error: